04 June, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ટીમ
વિમેન્સ T20 વર્લ્ડ કપને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વન-ડે ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમને વધુ એક ઝટકો લાગ્યો હતો. સાઉથ આફ્રિકા સામે ૧-૪થી T20 સિરીઝ ગુમાવ્યા બાદ ભારતીય મહિલાઓએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પ્રથમ મૅચ જીતીને સારી શરૂઆત બાદ બાકીની બન્ને મૅચ હારીને T20 સિરીઝ ૧-૨થી ગુમાવી દીધી હતી.
મંગળવારે નિર્ણાયક મૅચમાં ભારતીય ટીમે કૅપ્ટન હરમનપ્રીત કૌર (૪૦ બૉલમાં ૫૬), દીપ્તિ શર્મા (૨૪ બૉલમાં ૩૨), યાસ્તિકા ભાટિયા (૧૮ બૉલમાં ૩૨) અને જેમિમા રૉડ્રિગ્સ (૧૯ બૉલમાં ૨૯ રન)ની ઉપયોગી ઇનિંગ્સના જોરે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતાં. ઇંગ્લૅન્ડે પાવરપ્લેમાં જ ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દેતાં ભારતની જીત પાકી લાગતી હતી, પણ ભૂતપૂર્વ કૅપ્ટન હેધર નાઇટ (૪૨ બાલમાં ૧૦ ફોર સાથે અણનમ ૭૦ રન) અને ઍલિસ કૅપ્સી (૪૩ બૉલમાં ૩ સિક્સર અને ૯ ફોર સાથે ૮૨ રન)એ ચોથી વિકેટ માટે ૧૩૭ની પાર્ટનરશિપ સાથે બાજી પલટી નાખી હતી. ઇંગ્લૅન્ડે આખરે ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટે ૧૮૪ રન બનાવીને મૅચ અને સિરીઝ જીતી લીધી હતી. ઍલિસ કૅપ્સી પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ બની હતી.
હવે ભારતીય ટીમ ૧૨ જૂનથી શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે સોમવારે વેસ્ટ ઇન્ડીઝ અને બુધવારે ઇંગ્લૅન્ડ સામે વૉર્મ-અપ મૅચ રમશે. T20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ ટક્કર પાકિસ્તાન સામે ૧૪ જૂને છે.
T20 વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન નક્કી છેઃ હરમનપ્રીત કૌર
કૅપ્ટન હરમનપ્રીત કૌરે જણાવ્યું હતું કે આગામી T20 વર્લ્ડ કપ પહેલાં ટીમ-મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનને લઈને બિલકુલ સ્પષ્ટ છે. જોકે બે વૉર્મ-અપ મૅચોનો ઉપયોગ રાધા યાદવ અને ભારતી ફુલમાલી જેવી ખેલાડીઓને તક આપવા અને અન્ય કૉમ્બિનેશન અજમાવવા માટે કરવામાં આવશે. હરમનપ્રીતે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ વહેલા આવવાનો મુખ્ય હેતુ અહીંની પિચો અને વાતાવરણથી ટેવાઈ જવાનો હતો, જેમાં ટીમ ઘણી હદ સુધી સફળ રહી છે.