કાંગારૂ ટીમે ૮ વિકેટની જીત સાથે ભારતીય મહિલાઓને વન-ડેમાં લાગલગાટ આઠમી વખત હરાવી

15 September, 2025 08:51 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપ પહેલાં ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી આૅસ્ટ્રેલિયાએ

કાંગારૂ ઓપનર ફોબી લિચફિલ્ડ ૮૮ રન ફટકાર્યા હતા

વન-ડે વર્લ્ડ કપ 2025ની તૈયારીના ભાગરૂપે ભારતીય વિમેન્સ ટીમ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ત્રણ મૅચની સિરીઝ રમવા ઊતરી, પણ ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો. ન્યુ ચંડીગઢના મુલ્લાનપુરના સ્ટેડિયમમાં આયોજિત પહેલવહેલી ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતે ૧૧૪ રનની ઓપનિંગ ભાગીદારીને આધારે સાત વિકેટે ૨૮૧ રન ફટકાર્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૪૪.૧ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ૨૮૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

સપ્ટેમ્બર ૨૦૨૧ બાદ ઑસ્ટ્રેલિયાએ વન-ડેમાં ભારત સામે આ સળંગ આઠમી જીત નોંધાવી છે. ઑસ્ટ્રેલિયાએ સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. આગામી બે મૅચ ૧૭ અને ૨૦ સપ્ટેમ્બરે રમાશે. 
સ્મૃતિ માન્ધના (૬૩ બૉલમાં ૫૮ રન) અને પ્રતીકા રાવલ (૯૬ બૉલમાં ૬૪ રન)ની ૧૩૦ બૉલમાં ૧૧૪ રનની ઓપનિંગ ભાગીદારી અને ત્રીજા ક્રમના બૅટર હરલીન દેઓલ (૫૭ બૉલમાં ૫૪ રન)ની ફિફ્ટી છતાં ભારત ૩૦૦ રનને પાર ન કરી શક્યું. ૮ બોલરનો ઉપયોગ કરનાર ઑસ્ટ્રેલિયા માટે મીડિયમ ફાસ્ટ બોલર મેગન શુટ (૪૫ રનમાં બે વિકેટ) સૌથી સફળ રહી હતી.

કાંગારૂ ઓપનર ફોબી લિચફિલ્ડ (૮૦ બૉલમાં ૮૮ રન)ની મોટી ઇનિંગ્સ બાદ ચોથી વિકેટ માટે બેથ મૂની (૭૪ બૉલમાં ૭૭ રન) અને  ઍનાબેલ સધરલૅન્ડ (૫૧ બૉલમાં ૫૪ રન)ની ૧૦૪ બૉલમાં ૧૧૬ રનની અણનમ પાર્ટનરશિપની મદદથી ઑસ્ટ્રેલિયાએ ભારત સામે સરળ વિજય મેળવ્યો હતો. ભારત માટે ફાસ્ટ બોલર ક્રાન્તિ ગોડ (પંચાવન રનમાં એક વિકેટ) અને સ્પિનર સ્નેહ રાણા (૫૧ રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી. 

team india indian womens cricket team australia india cricket news sports sports news