સ્મૃતિ માન્ધના ફૉર્મમાં આવી ગઈ

29 December, 2025 10:17 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

આક્રમક ૮૦ રન ફટકાર્યા, શફાલી વર્માએ પણ ધમાકેદાર ૭૯ ફટકારીને સ્મૃતિ સાથે ૧૬૨ રનની પાર્ટનરશિપ કરી : ભારતના ૨૨૧ સામે શ્રીલંકાએ કર્યા ૬ વિકેટે ૧૯૧ રન : સિરીઝમાં ટીમ ઇન્ડિયા હવે ૪-૦થી આગળ

સ્મૃતિ માન્ધના અને શફાલી વર્માએ ૧૬૨ રનની આક્રમક ભાગીદારી કર હતી. સ્મૃતિએ ૮૦ રન અને શફાલીએ ૭૯ રન ફટકાર્યા હતા.

ભારતીય અને શ્રીલંકન મહિલાઓ વચ્ચે ગઈ કાલે રમાયેલી સિરીઝની ચોથી T20 મૅચમાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ધમાકેદાર કમબૅક કર્યું હતું. પહેલી ત્રણ મૅચમાં કુલ માત્ર ૪૦ રન કરનાર સ્મૃતિએ ગઈ કાલે ૪૮ બૉલમાં આક્રમક ૮૦ રન કર્યા હતા. ૧૬૬.૬૭ના સ્ટ્રાઇક-રેટથી કરવામાં આવેલા આ સ્કોરિંગમાં ત્રણ સિક્સ અને ૧૧ ફોરનો સમાવેશ હતો. સ્મૃતિની ઓપનિંગ પાર્ટનર શફાલી વર્માએ પણ એક સિક્સ અને ૧૨ ફોરની મદદથી ઝડપી ૭૯ રન કર્યા હતા. સ્મૃતિ અને શફાલીએ ઓપનિંગ વિકેટ માટે ૧૬૨ રનની તોતિંગ પાર્ટનરશિપ કરી હતી અને ભારતની પહેલી વિકેટ છેક સોળમી ઓવરમાં પડી હતી. ભારતે ૨૦ ઓવરમાં ૨૨૧ રનનો સ્કોર ખડકી દીધો હતો જેમાં ત્રીજા નંબરે રમવા આવેલી રિચા ઘોષે ૧૬ બૉલમાં કરેલા અણમ ૪૦ રનનો સમાવેશ હતો. રિચાએ ત્રણ સિક્સ અને ૪ ફોર ફટકારીને ૨૫૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર ૧૦ બૉલમાં ૧૬ રન કરીને નૉટઆઉટ રહી હતી. આ મૅચમાં જેમિમા રૉડ્રિગ્સ નહોતી રમી.

ભારતે આપેલા ૨૨૨ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૧ રન કરી શક્યું હતું. ૩૦ રનથી મેળવેલી આ જીતને પગલે ભારત સિરીઝમાં ૪-૦થી આગળ થઈ ગયું છે. પાંચમી T20 ૩૦ ડિસેમ્બરે રમાશે.

ભારતીય મહિલાઓમાં T20માં હાઇએસ્ટ ૮૦ સિક્સ હવે સ્મૃતિની

ગઈ કાલે ત્રણ સિક્સ ફટકારીને હરમનપ્રીત કૌર (૭૮ સિક્સ)થી આગળ નીકળી ગઈ

indian womens cricket team india sri lanka t20 international world t20 cricket news sports sports news smriti mandhana shafali verma harmanpreet kaur Jemimah rodrigues