30 August, 2026 09:45 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા.
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે સાંજે ૮ વાગ્યે ભારતીય વિમેન્સ ટીમ પોતાના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. પહેલી મૅચ થાઇલૅન્ડ સામે રમાશે. ત્યાર પછી ત્રણ સપ્ટેમ્બરે હૉન્ગકૉન્ગ અને પાંચ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મૅચ રમાશે. ભારત અને થાઇલૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે હમણાં સુધી ત્રણ મૅચ રમાઈ છે અને ત્રણેયમાં ભારત વિજેતા રહ્યું છે. ભારતે આ હરીફ સામે ૨૦૧૮માં ૬૬ રનથી, ૨૦૨૨માં ૯ વિકેટ અને ૭૪ રનથી T20 મૅચો જીતી હતી. વિમેન્સ T20 એશિયા કપમાં ભારત ૨૯ મૅચોમાંથી પચીસ મૅચ જીત્યું છે અને ૪ મૅચમાં હાર મળી છે. અન્ય કોઈ ટીમ વીસથી વધુ મૅચ જીતી શકી નથી. થાઇલૅન્ડ આ ટુર્નામેન્ટમાં ૨૪ મૅચમાંથી ૯ મૅચ જ જીતી શક્યું છે.
શુક્રવારે દુબઈના ખાલીખમ સ્ટેડિયમમાં એશિયા કપની નવી સીઝનની શરૂઆત થઈ હતી. થાઇલૅન્ડે ૧૨૦/૯નો સ્કોર કર્યો હતો જેના જવાબમાં હૉન્ગકૉન્ગની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન સાથે ૧૧૪ રન કરીને ૬ રને હાર્યું હતું. વિમેન્સ T20 એશિયા કપમાં હૉન્ગકૉન્ગ હમણાં સુધીની પોતાની ચારેય મૅચ હાર્યું છે.
571 : વિમેન્સ T20 એશિયા કપમાં હાઇએસ્ટ આટલા રન કર્યા છે હરમનપ્રીત કૌરે.