18 May, 2022 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાંચ હરીફાઈમાં ભારતને પાંચેપાંચ ગોલ્ડ
જર્મનીમાં ગઈ કાલે ભારતની મહિલા શૂટર્સે પાંચ મુકાબલામાં પાંચેપાંચ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સંગવાનની ત્રિપુટીએ આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં પચીસ મીટરની પિસ્તોલ ટીમની ફાઇનલમાં યજમાન જર્મનીને ૧૬-૨થી સજ્જડ પરાજય ચખાડ્યો એને પગલે પાંચ ગોલ્ડ ભારતની ઝોળીમાં આવી ગયા છે.
એટલું જ નહીં, ૫૦ મીટરની રાઇફલ-થ્રી પોઝિશન્સ મિક્સડ ટીમ કૉમ્પિટિશનમાં પંકજ મખેજા તથા સિફ્ત કૌર સામરા ફાઇનલમાં પોલૅન્ડના માઇકલ ચોયનોવ્સ્કી તથા જુલિયા પાયોત્રોવ્સ્કા સામે ૧૨-૧૬થી હારી જતાં ભારતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતના મેડલ્સમાં ૧૧ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૪ બ્રૉન્ઝનો સમાવેશ છે. ભારત ચૅમ્પિયન બનવાની તૈયારીમાં છે, જ્યારે ઇટલી ચાર ગોલ્ડ સાથે બીજા નંબરે છે.