ચૅમ્પિયન ટીમને બૅન્ગલોર ઍરપોર્ટ પર મળ્યું ગ્રૅન્ડ વેલકમ

25 November, 2025 09:10 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

પ્રથમ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને ૪,૩૪,૦૦૦ રૂપિયા મળ્યા; ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય બ્લાઇન્ડ વિમેન્સ ક્રિકેટ-ટીમને અભિનંદન આપ્યાં

ચૅમ્પિયન ટીમનું ગ્રૅન્ડ વેલકમ

પ્રથમ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ 2025ની ચૅમ્પિયન ટીમ સોમવારે ભારત પરત ફરી હતી. શ્રીલંકાના કોલંબોથી બૅન્ગલોર પહોંચેલી ભારતીય મહિલા ક્રિકેટરો સહિતના તેમના સપોર્ટ-સ્ટાફને બૅન્ગલોર ઍરપોર્ટ પર ગ્રૅન્ડ વેલકમ મળ્યું હતું. લહેરાતા રાષ્ટ્રધ્વજ અને ભારતમાતા કી જયના નારા વચ્ચે ચૅમ્પિયન ટીમનું પારંપરિક અંદાજમાં સ્વાગત થયું હતું. પારંપરિક નૃત્ય કરતા ડાન્સરો અને ઢોલ-નગારાં વગાડતા સ્કૂલના વિદ્યાર્થીઓએ ચૅમ્પિયન ટીમના સભ્યોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું હતું. તમામ પ્લેયર્સને પરંપરાગત હાર અને પાઘડી પહેરાવી, મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ઍરપોર્ટ પર ઍરલાઇન્સના સભ્યોએ કેક-કટિંગ અને ક્રિકેટ-ફૅન્સે ફૂલનો બુકે આપીને ચૅમ્પિયન ટીમની જીતની ઉજવણી કરી શુભેચ્છા પાઠવી હતી.

બ્લાઇન્ડ ટીમની કૅપ્ટન દીપિકાએ ટ્રોફી સાથે રોહિત શર્માના રૉબોટિક વૉકનું અનુકરણ કર્યું

શ્રીલંકાના કોલંબોમાં પહેલો વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડ જીત્યા બાદ ભારતની ટીમે ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ જીતેલી સિનિયર મેન્સ ટીમ જેવી ઉજવણી કરી હતી. ટીમની કૅપ્ટન દીપિકા ટી. સી.એ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જીત્યા બાદની રોહિત શર્માની આઇકૉનિક રોબોટિક-વૉકનું અનુકરણ કર્યું હતું. 

વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમને કેટલું કૅશ પ્રાઇઝ મળ્યું?

પ્રથમ વિમેન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને ૧૫ લાખ શ્રીલંકન રૂપિયા એટલે કે ભારતીય ચલણ અનુસાર ઑલમોસ્ટ ૪,૩૪,૦૦૦ રૂપિયા મળ્યા છે. રનરઅપ નેપાલની ટીમને ૯ લાખ શ્રીલંકન રૂપિયા એટલે કે ૨,૬૦,૦૦ રૂપિયાનું કૅશ પ્રાઇઝ મળ્યું છે. આ ઉપરાંત એક પ્રાઇવેટ ગ્રુપ દ્વારા ચૅમ્પિયન ભારતીય ટીમના તમામ પ્લેયર્સને ૧-૧ લાખ રૂપિયા આપવામાં આવશે.

આ સિદ્ધિ તમારી મહેનત, ટીમવર્ક અને દૃઢ નિશ્ચયનું એક ઝળહળતું ઉદાહરણ છે : મોદી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતીય બ્લાઇન્ડ વિમેન્સ ક્રિકેટ-ટીમને પ્રથમ T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપીને તેમના ટીમવર્ક અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી હતી. તેમણે X પર લખ્યું કે ‘ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ-ટીમને પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન. એનાથી પણ વધુ પ્રશંસનીય વાત એ છે કે તમે ટુર્નામેન્ટમાં અજેય રહ્યા. આ ખરેખર એક ઐતિહાસિક સિદ્ધિ છે જે સખત મહેનત, ટીમવર્ક અને નિશ્ચયનું એક તેજસ્વી ઉદાહરણ છે. દરેક ખેલાડી ચૅમ્પિયન છે. હું ટીમને તેમના ભવિષ્યના પ્રયાસોમાં શુભકામનાઓ પાઠવું છું. આ સફળતા આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.’

womens world cup indian womens cricket team bengaluru narendra modi cricket news sports sports news