ડિવિલિયર્સ જ થશે બુમરાહ પર હાવી : ગંભીર

17 September, 2021 07:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમના ટી૨૦ કૅપ્ટન તરીકે રાજીનામું આપ્યા બાદ વિરાટ પર વધશે બૅન્ગલોરની ટીમને ટાઇટલ જિતાડવાનું દબાણ

ગૌતમ ગંભીર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરના મતે એબી ડિવિલિયર્સ એકમાત્ર જસપ્રીત બુમરાહની ધુલાઈ કરી શકે છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી બૅન્ગલોરની ટીમમાં હરીફ ટીમો પર પ્રભાવ પાડી શકે એવા ઘણા સારા ખેલાડીઓ છે. કોરોનાને કારણે આઇપીએલ મોકૂફ રાખવી પડે એ પહેલાં બૅન્ગલોરની ટીમ સાત પૈકી પાંચ મૅચ જીતી હતી. કોહલીની ટીમ પોતાનું પહેલું ટાઇટલ જીતવા આતુર છે. કોહલીએ ભારતીય ટીમની ટી૨૦ કૅપ્ટન્સીમાંથી ટી૨૦ વર્લ્ડ કપ બાદ જાતેજ હટી જવાની ઘોષણા કરી છે. આમ કોહલી માટે બૅન્ગલોરને ટાઇટલ જીતાડવું મહત્વનું બની રહેશે.

ગંભીરે સ્ટાર નેટવર્ક સાથે વાતચીતમાં કહ્યું હતું કે વિરાટ પાસે ડિવિલિયર્સ અને ગ્લેન મૅક્સવેલ જેવા ખેલાડીઓ છે. મૅક્સવેલ કરતાં પણ બુમરાહ પર હાવી થઈ શકે એવો કોઈ ખેલાડી હોય તો તે ડિવિલિયર્સ છે. બુમરાહ સામે સતત સારું પ્રદર્શન કરતા એબી સિવાય કોઈને મેં જોયો નથી. વિરાટ અને ડિવિલિયર્સ પર પણ હવે ટાઇટલ જીતવાનું દબાણ છે. ગંભીરે કહ્યું હતું કે વિરાટે આઇપીએલમાં હરીફ ટીમો પર પણ પોતાનું દબાણ લાવવું જોઈએ, કારણ કે આંતરરાષ્ટ્રીય મૅચોમાં ચારથી પાંચ આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલરો હોય, જ્યારે અહીં આવા બોલરો બેથી ત્રણ હોય, બાકીના ડોમેસ્ટિક લેવલના બોલરો હોય એથી જો આટલાં વર્ષો બાદ પણ તમે ટાઇટલ ન જીતી શકો તો તમારા પર દબાણ વધતું જ જાય.’

sports sports news cricket news indian premier league ipl 2021 gautam gambhir ab de villiers jasprit bumrah