ડૂબેલું હૈદરાબાદ કરી શકે છે પંજાબનો ખેલ ખતમ

25 September, 2021 08:46 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

૮માંથી માત્ર ૧ જ જીત મેળવનાર હૈદરાબાદ છેલ્લા નંબરે છે

ડેવિડ વૉર્નર, કે એલ રાહુલ

આજના દિવસના બીજા મુકાબલમાં સાંજે પૉઇન્ટ-ટેબલ પર છેલ્લા બે ક્રમાંક સાથે સ્ટ્રગલ કરી રહેલા પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં આબરૂ બચાવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે બાથે ભીડવાના છે. ૮માંથી માત્ર ૧ જ જીત મેળવનાર હૈદરાબાદ છેલ્લા નંબરે છે. હૈદરાબાદ આ સીઝનમાં ક્યારેય બેઠું થઈ શક્યું નથી અને એણે અધવચ્ચે કૅપ્ટન ડેવિડ વૉર્નરની હકાલપટ્ટી કરીને કેન વિલિયમસનને જવાબદારી સોંપી. જોકે પરિણામમાં હજી કોઈ અસર નથી જોવા મળી. હૈદરાબાદ પ્લે-ઑફની રેસમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગયું છે.

હાથમાં આવેલી બાજી ગુમાવવામાં માસ્ટરી મેળવનાર પંજાબ ૯માંથી માત્ર ૩ જીતીને સેકન્ડ લાસ્ટ નંબરે છે. ૯ મૅચમાં ૬ પૉઇન્ટ મેળવનાર પંજાબ માટે હજી પ્લે-ઑફમાં મોકો છે, પણ હજી એકાદ હાર તેમનું ધી એન્ડ કરી શકે છે. ડૂબી ગયેલું હૈદરાબાદ આજે પંજાબને હરાવીને એને પણ ડુબાડી શકે છે.

રુધરફોર્ડ આઉટ, ઉમરાન ઇન

સ્ટાર ખેલાડીઓની ઇન્જરી અને ફૉર્મને લીધે આજે હૈદરાબાદની આ હાલત છે. ઓપનર જૉની બેરસ્ટૉ બીજા હાફમાં રમવા ન આવતાં હૈદરાબાદે ટીમમાં સામેલ કરેલો વેસ્ટ ઇન્ડીઝનો શેરફેન રુધરફોર્ડ પણ પિતાના અવસાનને લીધે બાયો-બબલ્સમાંથી નીકળીને ચાલ્યો ગયો છે. બીજી તરફ ટી. નટારાજન પહેલા હાફમાં ઇન્જરીને લીધે નહોતો રમી શક્યો, જ્યારે આ વખતે કોરોનાગ્રસ્ત થતાં ફરી થોડા સમય માટે આઉટ થઈ ગયો છે. હૈદરાબાદે ટેમ્પરરી નટરાજનના સ્થાને ટીમમાં નેટ બોલર તરીકે સામેલ જમ્મુ-કશ્મીરના પેસબોલર ઉમરાન મલિકને સામેલ કર્યો છે. મલિક અત્યાર સુધી એક ટી૨૦ અને લિસ્ટ-એ મૅચ જ રમ્યો છે અને ફક્ત ચાર જ વિકેટ લઈ શક્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2021 sunrisers hyderabad punjab kings kings xi punjab