રાહુલને બધી છૂટ આપેલી પણ એ જ અમને છોડી ગયો : પંજાબ

02 December, 2021 03:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘નવી ટીમે આ ઓપનરનો સંપર્ક કરીને આચારસંહિતાનો ભંગ કર્યો’

કે. એલ. રાહુલ

તાજેતરમાં પૂરી થયેલી વર્ષ ૨૦૨૧ની આઇપીએલમાં થર્ડ-હાઇએસ્ટ ૬૨૬ રન બનાવનાર અને પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ કૅપ્ટન કે. એલ. રાહુલથી પંજાબની ટીમ નારાજ છે. ટીમના કો-ઓનર નેસ વાડિયાએ ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ‘અમે બે સીઝનમાં રાહુલને કૅપ્ટન તરીકેની બધી છૂટછાટો આપી હતી અને અમે તેને રિટેન પણ કરવા માગતા હતા, પણ એ જ હરાજીમાં સામેલ થવા અમને છોડી ગયો. જો કોઈ નવી ટીમે તેનો સંપર્ક કર્યો તો એ અનૈતિક કહેવાય અને બીસીસીઆઇની માર્ગદર્શિકાનો ભંગ થયો પણ કહેવાય.’
પંજાબની ટીમે ૨૦૨૦ની સીઝનમાં આર. અશ્વિનને બદલે રાહુલને કૅપ્ટન બનાવ્યો હતો. રાહુલ બૅટિંગમાં ખૂબ ઝળક્યો, પણ પોતાની ટીમને પ્લે-ઑફમાં લઈ જવામાં નિષ્ફળ રહ્યો હતો. આર. પી. ગોએન્કા ગ્રુપે તાજેતરમાં જ ૭૦૯૦ કરોડ રૂપિયાના ખર્ચે બીસીસીઆઇ પાસેથી લખનઉની ટીમ ખરીદી 
હતી. અમદાવાદની ટીમને સીવીસી કૅપિટલ પાર્ટનર્સે ૫૧૬૬ કરોડ રૂપિયામાં મેળવી હતી.
રાહુલનું નામ હવે લખનઉની ટીમ સાથે બોલાય છે. કહેવાય છે કે તે પંજાબની ટીમ સાથે જોડાયેલો હતો એમ છતાં આ નવી ટીમે તેને ઑફર કરી હતી અને એવું મનાય છે કે ત્યાં તેને કૅપ્ટન બનાવવાની હિલચાલ થઈ રહી છે.
શું રાહુલને કોઈ પ્રકારની લાલચ આપવામાં આવી હશે? એવા સવાલના જવાબમાં વાડિયાએ કહ્યું, ‘આશા રાખું છું કે એવું કંઈ નહીં થયું હોય. જો થયું હશે તો એ બીસીસીઆઇએ નક્કી કરેલી માર્ગરેખાનો ભંગ થયો કહેવાય.’
જાડેજા પર વર્ષનો બૅન મુકાયેલો
૨૦૧૦ની સાલમાં રવીન્દ્ર જાડેજાને રાજસ્થાન રૉયલ્સની ટીમે રિલીઝ નહોતો કર્યો એ પહેલાં જાડેજાએ અન્ય ટીમો સાથે સોદાબાજી શરૂ કરી દેતાં જાડેજા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાહુલે પણ એવું કંઈ કર્યું હોવાનું પુરવાર થશે તો તેના પર પણ બૅન આવી શકે.
રાહુલને પંજાબની ફ્રૅન્ચાઇઝી એક આઇપીએલ સીઝન રમવાના ૧૧ કરોડ રૂપિયા આપતી હતી. કહેવાય છે કે નવી ટીમે રાહુલને ૨૦ કરોડ રૂપિયાની ઑફર કરી છે.
રાશિદ ખાન પણ ચર્ચામાં
અફઘાનિસ્તાનના સ્ટાર-સ્પિનર અને સનરાઇઝર્સ હૈદરાબાદના જૂના ખેલાડી રાશિદ ખાનને હૈદરાબાદની ફ્રૅન્ચાઇઝી ૯ કરોડ આપતી હતી, પરંતુ તેને હવે રિટેન નથી કર્યો. જોકે એક અહેવાલ મુજબ હૈદરાબાદની ફ્રૅન્ચાઇઝી તેને વધુમાં વધુ ૧૨ કરોડ રૂપિયા આપવા માગતી હતી, પરંતુ તેણે પોતાને હરાજીમાં મૂકી દીધો હતો. હવે એવી વાત ચર્ચાય છે કે લખનઉની ટીમે રાશિદને ૧૬ કરોડ રૂપિયાની ઑફર કરી છે. જોકે, આ કથિત ઑફર પરની ચર્ચા રાશિદને હૈદરાબાદની ટીમે રિલીઝ કર્યો એ પહેલાં જ થઈ હતી. એ જોતાં રાહુલની જેમ રાશિદના આઇપીએલમાં રમવા પર એકાદ વર્ષનો પ્રતિબંધ આવી શકે.

ફ્લાવરની પંજાબને ગુડબાયઃ નવી ટીમ સાથે જોડાશે?
ઝિમ્બાબ્વેના ૫૩ વર્ષના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડી ફ્લાવરે પંજાબ કિંગ્સના સહાયક કોચ તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેને કદાચ આઇપીએલની બે નવી ટીમ (લખનઉ, અમદાવાદ)માંથી કોઈ એક ટીમનો કોચિંગનો હોદ્દો (ઊંચા પગાર સાથે) મળે એવી શક્યતા છે. ફ્લાવરે અગાઉ એક દાયકા સુધી ઇંગ્લૅન્ડની ટીમને કોચિંગ આપ્યું હતું.

sports sports news cricket news indian premier league ipl 2021 punjab kings kings xi punjab kl rahul ipl 2022