આઇપીએલની બે ટીમ ખરીદવા બાવીસ દાવેદારો : ૬ શહેરમાં અમદાવાદ અને લખનઉ ફેવરિટ

24 October, 2021 03:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી આ સ્પર્ધામાં કુલ ૮ ટીમો હતી, જે હવે ૧૦ થશે

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ૨૦૨૨ની નવી સીઝનથી બે નવી ટીમનો સમાવેશ થશે અને એ બે ટીમને ખરીદવા માટે કુલ બાવીસ દાવેદારો છે. અત્યાર સુધી આ સ્પર્ધામાં કુલ ૮ ટીમો હતી, જે હવે ૧૦ થશે. દુબઈમાં સોમવાર, ૨૫ ઑક્ટોબરે વૉક-ઇન ઇવેન્ટમાં બિડ ખોલવામાં આવશે.

બે નવી ટીમ ખરીદવા માટેના મુખ્ય દાવેદારોમાં ફુટબૉલ જગતની મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ક્લબ (ગ્લેઝર ફૅમિલીની લૅન્સર કૅપિટલ), બૉલીવુડનું કપલ દીપિકા-રણવીર સિંહ, અદાણી ગ્રુપ, સંજીવ ગોએન્કા (આરપીએસજી), નવીન જિન્દલ (જિન્દલ સ્ટીલ), ટૉરન્ટ ફાર્મા, ઑરોબિન્દો ફાર્મા, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા, ઑન્ટ્રપ્રનર રૉની સ્ક્રૂવાલા, કોટક ગ્રુપ, સિંગાપોરની પીઈ કંપની, સીવીસી પાર્ટનર્સ અને બ્રૉડકાસ્ટ ઍન્ડ સ્પોર્ટ કન્સલ્ટિંગ એજન્સિસ આઇટીડબ્લ્યુ, ગ્રુપ ‘એમ’નો સમાવેશ છે.

૨૦૨૨ની સીઝનથી આઇપીએલનો હિસ્સો બનનારા બે નવા ફ્રૅન્ચાઇઝીએ ભારતનાં ૬માંથી બે શહેરોને પોતાનાં મથક બનાવવાં પડશે. આ ૬ શહેરોનાં નામ બીસીસીઆઇના ટેન્ડર ડૉક્યુમેન્ટમાં છે : અમદાવાદ, લખનઉ, કટક, ધરમશાલા, ઇન્દોર અને ગુવાહાટી.

sports sports news cricket news indian premier league ipl 2021