સૅમસન રાજસ્થાનની ટીમનો લાંબા ગાળાનો લીડર : સંગકારા

03 December, 2021 03:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ ડિરેક્ટરે યશસ્વી અને બટલરને રિટેન તથા સ્ટોક્સ અને આર્ચરને રિલીઝ કર્યાના મામલે કર્યો ખુલાસો

ફાઈલ તસવીર

રાજસ્થાનની ટીમના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગકારાએ વિકેટકીપર-બૅટ્સમૅન સંજુ સૅમસનને ટીમના લાંબા સમયના લીડર ગણાવતાં કહ્યું કે તેને રિટેન કરવામાં નવાઈ જેવું કંઈ નથી. આઇપીએલ ૨૦૨૨ની હરાજી પહેલાં રાજસ્થાનની ટીમે સૅમસન, અનકૅપ્ડ યુવા બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ અને સ્ટાર ખેલાડી જૉસ બટલરને રિટેન કર્યા હતા. રાજસ્થાનની ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડિયોમાં સંગકારાએ કહ્યું કે અમારા ભારત અને અમેરિકાના પાર્ટનર સાથે નક્કી કરીને અમે સંજુ સૅમસન પર પસંદગી ઉતારી છે. જોકે એમાં કંઈ ખાસ વિચારવા જેવું નથી. તે અમારી ટીમનો લાંબા સમયનો લીડર છે. તેણે પોતાની ઉપયોગિતા સમયાંતરે સાબિત કરી બતાવી છે. ૨૦૨૧ની સીઝન પહેલાં સૅમસનને ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. સૅમસનને ૧૪ કરોડ રૂપિયામાં રિટેન કરાયો છે. બીજા ખેલાડી બટલરને ૧૦ કરોડ રૂપિયામાં અને ત્રીજા ખેલાડી ૧૯ વર્ષના જયસ્વાલને ૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે, જે રિટેન કરવામાં આવેલો સૌથી નાની વયનો બીજો ખેલાડી છે. સૅમસનને રિટેન કરવામાં આવ્યો ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષ અને બે મહિના હતી. 
જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓને ટીમે રિલીઝ કરતાં ઘણાને આશ્ચર્ય થયું હતું, જેનો ખુલાસો કરતાં સંગકારાએ કહ્યું હતું કે ‘અમારા માટે પસંદગી કરવી બહુ કઠિન હતી. બધાએ ચર્ચા કરીને તમામ વિકલ્પ અને અમારી પાસેની રકમનો વિચાર કરીને શ્રેષ્ઠ ખેલાડીને પસંદ કર્યા હતા. એક વખત હરાજીના નિયમો જાહેર થઈ જશે ત્યાર બાદ અમે કેટલા રિટેન થઈ શકે કે અમારી પાસે કેટલી રકમ છે એના ​આધારે નિર્ણય લઈશું. ઈજાને કારણે આ બન્ને ખેલાડીઓ આઇપીએલ-૨૦૨૧માં રમ્યા નહોતા.

sports sports news cricket news indian premier league ipl 2022 rajasthan royals