IPL 2023: આવતા વર્ષથી શરૂ થશે મહિલા આઈપીએલ, ફરી અપનાવાશે જૂનું ફોર્મેટ

22 September, 2022 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાંગુલીએ મંગળવારે રાજ્ય સંઘને એક ઈમેલ કર્યો હતો

ફાઇલ તસવીર

IPL 2023 ફરી એકવાર જૂના ફોર્મેટમાં પરત ફરશે. એટલે કે હવે પહેલાની જેમ ટીમો અડધી મેચ પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર અને અડધી મેચ અન્ય ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે. આ સાથે મહિલા IPL પણ આવતા વર્ષથી શરૂ થવા જઈ રહી છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી દ્વારા રાજ્ય એકમોને મોકલવામાં આવેલા ઈમેલમાં આ મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

ગાંગુલીએ મંગળવારે રાજ્ય સંઘને એક ઈમેલ કર્યો હતો. આ મુજબ, કોવિડ-19ને કારણે છેલ્લા ત્રણ સીઝનથી મર્યાદિત સ્થળ પર રમાતી IPL હવે પહેલાની જેમ હોમ અને અવે ગ્રાઉન્ડના આધારે રમાશે. ગાંગુલીએ લખ્યું છે કે, “આગામી સિઝનથી આઈપીએલમાં મેચો હોમ-અવે ફોર્મેટમાં રમાશે. તમામ 10 ટીમો પોતપોતાની ઘરઆંગણે મેચ રમશે.”

મહિલા IPL આવતા વર્ષથી શરૂ થશે

સૌરવ ગાંગુલીએ લખ્યું છે કે, “BCCI હાલમાં મહિલા IPL પર કામ કરી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તેની પ્રથમ સિઝન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. વધુ વિગતો આગામી સમયમાં સ્પષ્ટ થશે.

છોકરીઓ માટે અંડર-15 ટુર્નામેન્ટ

સૌરવ ગાંગુલીએ ઈમેલમાં લખ્યું છે કે, “મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે આ સિઝનથી અંડર-15 ગર્લ્સ ટૂર્નામેન્ટ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ સારી રીતે આગળ વધી રહ્યું છે અને આપણી રાષ્ટ્રીય ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ નવી ટુર્નામેન્ટ છોકરીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે માર્ગદર્શન આપશે.”

sports news cricket news indian premier league