મુંબઈ અને દિલ્હીએ પ્લેઑફની આશા જીવંત રાખવા માટે આજે જીતવું જરૂરી

27 April, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ અત્યાર સુધી પાંચ-પાંચ હાર સાથે સ્ટ્રગલ કરી રહી છે : વધુ એક હાર નેક્સ્ટ રાઉન્ડનો તેમનો માર્ગ અઘરો બનાવી દેશે

ફાઇલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IP)ની આ સીઝનમાં બીજી વાર શનિવારે ડબલ હેડર મુકાબલા જામશે. સીઝનના બીજા જ દિવસે શનિવારે બે મૅચ રમાઈ હતી અને હવે એક મહિના બાદ ફરી શનિવાર-રવિવાર ચાહકોને ડબલ રોમાંચ માણવા મળશે. આજે પ્રથમ જંગમાં બપોરે ૩.૩૦ વાગ્યે પાંચ વખતની ચૅમ્પિયન અને આ સીઝનમાં સ્ટ્રગલ કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સનો જંગ નબળી શરૂઆત બાદ દમ બતાવી રહેલી દિલ્હી કૅપિટલ્સ સામે થશે. ત્યાર બાદ સાંજે ૭.૩૦ વાગ્યે લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ટક્કર જામશે.  

મુંબઈ-દિલ્હી વચ્ચે આ સીઝનમાં બીજી ટક્કર છે. વાનખેડેમાં પહેલી ટક્કરમાં દિલ્હીને ૨૯ રનથી હરાવીને મુંબઈએ જીતનું ખાતું ખોલાવ્યું હતું. આજે મુંબઈ દિલ્હી સામે જીત મેળવીને ફરી વિજયપથ પર પાછું ફરે છે કે દિલ્હી એ હારનો બદલો લેશે એ જોવું રસપ્રદ રહેશે. બન્ને ટીમને હવે હાર પરવડી શકે એમ નથી. દરેક હાર તેમને પ્લે-ઑફની રેસથી દૂર ધકેલી શકે છે. 

પંત વર્સસ બુમરાહ

આજે ચાહકો રિષભ પંત અન જસપ્રીત બુમરાહની ટક્કર માણવા ઉત્સુક હશે. ઍક્સિડન્ટ બાદ કમબૅક કરનાર રિષભ પંતે ફરી તેનો ટચ મેળવી લીધો છે અને આ સીઝનમાં દિલ્હી વતી સૌથી વધુ ૩૪૨ રન બનાવ્યા છે. સૌથી વધુ રન બનાવનારના મામલે તે વિરાટ કોહલી (૪૩૦) અને ઋતુરાજ ગાયકવાડ  (૩૪૯) બાદ ત્રીજા ક્રમાંકે છે. બીજી તરફ બુમરાહે સંયુક્ત રીતે સૌથી વધુ ૧૩ વિકેટ લઈને પર્પલ કૅપ પહેરી લીધી છે. પંતે દિલ્હીમાં છેલ્લી મૅચમાં ૪૩ બૉલમાં ૮ સિક્સર અને પાંચ ફોર સાથે ૮૮ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમીને ગુજરાતને ૪ રનથી હરાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને મૅન ઑફ ધ મૅચની ટ્રોફી જીતી લીધી હતી. IPLમાં પંત અને બુમરાહ ૧૩ વાર ટકરાયા છે જેમાંથી ૬ વાર બુમરાહે તેને આઉટ કર્યો છે. બીજો કોઈ બોલર પંતને આટલી બધી વાર આઉટ નથી કરી શક્યો.

પંત ઉપરાંત દિલ્હી માટે જેક ફ્રેઝર-મૅક્‍‍ગર્ક અને અક્ષર પટેલનું બૅટિંગ-ફૉર્મ રાહત આપનારું છે. પૃથ્વી શૉ હજી અસલી ટચ નથી મેળવી શક્યો. જોકે મુંબઈ વતી રોહિત શર્મા ૩૦૩ રન સાથે ટૉપ પર છે અને તિલક વર્મા (૨૭૩ રન) તથા ઈશાન કિશન (૧૯૨ રન) તેને ઉપયોગી સાથ આપી રહ્યા છે. સૂર્યકુમારે પાંચ મૅચમાં ૧૪૦ રન બનાવ્યા છે અને આજે મુંબઈએ જીતવું હશે તો તેણે ધડાકો કરવો પડશે.

ફરી નડશે મુંબઈકર?

મુંબઈને છેલ્લી મૅચમાં રાજસ્થાન સામે મુંબઈકર યશસ્વી જાયસવાલ સેન્ચુરી કરીને બરાબરનો નડ્યો હતો. આજે હવે વધુ એક મુંબઈકર પૃથ્વી શૉને કાબૂમાં રાખવો પડશે. પૃથ્વી શૉ હજી સુધી આ સીઝનમાં વધુ ટકી નથી શક્યો, પણ તે મુંબઈની બાજી બગાડવાની કાબેલિયત ધરાવે છે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મુંબઈ અને દિલ્હી વચ્ચે કુલ ૩૪ મૅચ રમાઈ છે જેમાંથી ૧૯ મુંબઈ અને ૧૫ દિલ્હી જીત્યું છે. છેલ્લી ચાર ટક્કરની વાત કરીએ તો ત્રણમાં મુંબઈનો વિજય થયો છે. 

આજની મૅચ

દિલ્હી કૅપિટલ્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, બપોરે ૩.૩૦ વાગ્યે, દિલ્હી

લખનઉ સુપર જાયન્ટ્સ v/s રાજસ્થાન રૉયલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ

આવતી કાલની મૅચ

ગુજરાત ટાઇટન્સ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, બપોરે ૩.૩૦ વાગ્યે, અમદાવાદ

ચેન્નઈ સુપર કિંગ્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે ૭.૩૦ વાગ્યે, ચેન્નઈ

indian premier league IPL 2024 mumbai indians delhi capitals hardik pandya Rishabh Pant cricket news sports sports news