પંજાબને ફિરકીમાં ફસાવનાર સાઈ કિશોર કોણ છે?

23 April, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબ અને ગુજરાત વચ્ચેની પાંચેપાંચ મૅચમાં રન ચેઝ કરનારી ટીમ જીતી

સાઈ કિશોર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૩૭મી મૅચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સ સામે ૩ વિકેટે જીત મેળવી હતી. સૅમ કરૅનની કૅપ્ટન્સીમાં પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલા પંજાબે પ્રભસિમરન સિંહના ૩૫ રનની મદદથી ઑલઆઉટ થઈને માત્ર ૧૪૨ રન કર્યા હતા. જવાબમાં કૅપ્ટન શુભમન ગિલના ૩૫ અને રાહુલ તેવટિયાના ૩૬ રનની મદદથી ગુજરાતે ૧૯.૧ ઓવરમાં ૭ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પૉઇન્ટ્સ-ટેબલમાં ગુજરાત ૮ પૉઇન્ટ સાથે પાંચમા અને પંજાબ ૪ પૉઇન્ટ સાથે નવમા ક્રમે છે. 

પંજાબ અને ગુજરાત વચ્ચે રમાયેલી IPLની પાંચેપાંચ મૅચમાં ચેઝ કરનાર ટીમની જીત થઈ છે. ત્રણ વાર ગુજરાતે અને બે વાર પંજાબે રન ચેઝ કરીને જીત મેળવી છે. આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ સાઈ કિશોરે ૪ ઓવરમાં ૩૩ રન આપીને લીધેલી ૪ વિકેટને કારણે પંજાબ કિંગ્સે સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. સાઈ કિશોર ગુજરાત માટે એક મૅચમાં ૪ પ્લસ વિકેટ લેનાર રાશિદ ખાન બાદ બીજો બોલર બન્યો છે. ૨૭ વર્ષના રવિશ્રીનિવાસન સાઈ કિશોરનો જન્મ ચેન્નઈમાં થયો હતો. ડાબા હાથના આ સ્પિન બોલર સાઈ કિશોરનું આ IPL કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. બાળપણથી જ ભણવામાં હોશિયાર સાઈ કિશોર ૧૦ વર્ષની ઉંમરથી જ ક્રિકેટ કૅમ્પમાં રમવા પહોંચી ગયો હતો. ક્રિકેટ પ્રત્યેનો તેનો પ્રેમ એટલો વધ્યો હતો કે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને તેણે ક્રિકેટમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં નિષ્ફળતાનો સામનો કરનાર સાઈ કિશોરે ૨૦૧૬-’૧૭માં વિજય હઝારે ટ્રોફીમાં તામિલનાડુ તરફથી લિસ્ટ Aમાં ડેબ્યુ કર્યું હતું. સાઈ કિશોરને ૨૦૧૭-’૧૮માં તામિલનાડુ તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. 

૨૦૨૦માં ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા ૨૦ લાખ રૂપિયામાં ખરીદાયેલા સાઈ કિશોરને બે સીઝન સુધી એક પણ મૅચ રમવાની તક નહોતી મળી. ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સે તેને ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦૨૨માં તેને પાંચ મૅચમાં રમવાની તક મળી હતી જેમાં તેણે ૭.૫૬ના ઇકૉનૉમી રેટથી ૬ વિકેટ લીધી હતી. ૨૦૨૩માં તેને એક પણ મૅચ રમવા નહોતી મળી. વર્તમાન સીઝનમાં બે મૅચ રમવાની તક મળી હતી, જેમાં તેણે બે વિકેટ લીધી હતી. જોકે હવે તેના પ્રદર્શનને જોતાં કૅપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ આશિષ નેહરા તેને બેન્ચ પર બેસાડી રાખવાની ભૂલ નહીં કરે. 

sports news sports cricket news IPL 2024 gujarat titans punjab kings