ચેન્નઈ પાસે જીતની હૅટ-ટ્રિકની તક, લખનઉને પરાજયની હૅટ-ટ્રિકનો ડર

19 April, 2024 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તાને પછાડીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા સ્થાને પહોંચવાનો ચેન્નઈ પાસે મોકો

લખનઉ સુપર જાયન્ટ્સે શહેરમાં રમૂજી પોસ્ટર લગાવીને કર્યું ધોનીનું સ્વાગત.

આજની મૅચ: લખનઉ સુપર જાયન્ટ્સ v/s ચેન્નઈ સુપર કિંગ્સ,   સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ
આવતી કાલની મૅચ : દિલ્હી કૅપિટલ્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે ૭.૩૦ વાગ્યે,  દિલ્હી

લખનઉમાં આજે એકાના સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૩૪મી મૅચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. લખનઉની ટીમ ૬ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા ક્રમે છે, જ્યારે ચેન્નઈની ટીમ ૮ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં આજે જીતની હૅટ-ટ્રિક કરીને ચેન્નઈ ૧૦ પૉઇન્ટ સાથે કલકત્તા (૮ પૉઇન્ટ)ને પછાડીને બીજા ક્રમે પહોંચી શકે છે. કે. એલ. રાહુલની કૅપ્ટન્સીવાળી લખનઉની ટીમ આજે હારની હૅટ-ટ્રિકથી બચવાનો પ્રયાસ કરશે. 
લખનઉના બૅટ્સમેનો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી અને તેમની સામે ચેન્નઈના તીક્ષ્ણ બોલિંગ-આક્રમણનો સામનો કરવાનો સખત પડકાર હશે. યૉર્કર બોલિંગમાં માહેર મથીશા પથીરાણા સામે ડેથ ઓવર્સમાં રમવું ઘણું

મુશ્કેલ છે, જ્યારે મુસ્તફિઝુર રહમાન બોલિંગ-હુન્નર બતાવવા તૈયાર હશે. એકાના જેવા સ્ટેડિયમ પર જ્યાં બૉલ પરની પકડ સારી હોય ત્યાં રવીન્દ્ર જાડેજા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. મહીશ થીક્સાના રૂપે લખનઉ સામે વધારાના સ્પિનરને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. લખનઉનો યુવા ઝડપી બોલર મયંક યાદવ પેટના સ્નાયુના ખેંચાણને કારણે છેલ્લી બે મૅચમાં રમી શક્યો નહોતો. તેણે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે અને તેની ગતિ ચેન્નઈના બૅટ્સમેનો માટે પડકારરૂપ બની શકે છે, પરંતુ જોવાનું એ રહેશે કે તે આજે રમી શકશે કે નહીં.

સ્પિનમાં રવિ બિશ્નોઈ વિવિધતાના અભાવે અત્યાર સુધીની ૬ મૅચમાં માત્ર ૪ વિકેટ લઈ શક્યો છે. લખનઉનો મુખ્ય બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉક સતત બે અડધી સદી ફટકાર્યા બાદ છેલ્લી ત્રણ મૅચમાં ખાસ કાંઈ કરી શક્યો નથી. ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ નિયમને કારણે કૃણાલ પંડ્યા સાતમા નંબરે આવી રહ્યો છે અને ૬ મૅચમાં માત્ર ૪૧ બૉલ રમી શક્યો છે. તેનો પૂરેપૂરો ઉપયોગ ન કરવાનાં પરિણામ પણ ટીમે ભોગવવાં પડ્યાં છે. કૅપ્ટન રાહુલ પણ માત્ર ૨૦૪ રન બનાવી શક્યો છે અને તે પોતાના શ્રેષ્ઠ ફૉર્મમાં નથી. નિકોલસ પૂરને ૬ મૅચમાં ૧૯ સિક્સર ફટકારી છે અને તેની પાસેથી આ લય જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવશે. આજની મૅચમાં લખનઉના બોલર્સ ચેન્નઈના બૅટર્સને કઈ રીતે વધારે રન કરતાં રોકે છે એના પર સૌની નજર રહેશે. 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૦૩
ચેન્નઈની જીત - ૦૧
લખનઉની જીત - ૦૧
નો રિઝલ્ટ - ૦૧

sports news sports cricket news IPL 2024 lucknow super giants chennai super kings kl rahul ms dhoni