ચેન્નઈ હોમગ્રાઉન્ડ પર લખનઉ સામે હારનો બદલો લઈ શકશે?

23 April, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ દિવસમાં જ સુપર કિંગ્સ અને સુપર જાયન્ટ્સની બીજી ટક્કર

એમ. એસ. ધોની અને રવીન્દ્ર જાડેજા પ્રૅક્ટિસ સેશન દરમ્યાન મસ્તીના મૂડમાં દેખાયા.

આજની મૅચ: ચેન્નઈ સુપર કિંગ્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  ચેન્નઈ
આવતી કાલની મૅચ : દિલ્હી કૅપિટલ્સ v/s ગુજરાત ટાઇટન્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  દિલ્હી

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આજે પોતાના ગઢ ચેપૉક સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે ત્યારે એનો ઇરાદો પાછલી હારનો બદલો લેવાનો અને પૉઇન્ટ્સ-ટેબલ પર પોતાની સ્થિતિ સુધારવાનો હશે. ૮ પૉઇન્ટ ધરાવતી ચેન્નઈ અને લખનઉ અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. ૪ દિવસ પહેલાં ૧૯ એપ્રિલે એકાના સ્ટેડિયમમાં લખનઉની ટીમે ચેન્નઈ સામે ૮ વિકેટથી જીત મેળવી હતી. ચેપૉક ચેન્નઈ સુપર કિંગ્સ માટે અભેદ્ય કિલ્લો રહ્યો છે અને હવે એણે અહીં સતત ત્રણ મૅચ રમવાની છે. બૅટિંગ ઑર્ડરમાં પ્રયોગ કરી રહેલી ચેન્નઈની ટીમ ઘરઆંગણે ત્રણેય મૅચ જીતીને પ્લેઑફ માટે પોતાનો દાવો મજબૂત કરવા પર નજર રાખશે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અજિંક્ય રહાણે અને મોઇન અલી એકંદર સારું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે ઓપનિંગ બૅટ્સમૅન રચિન રવીન્દ્ર અને ઇમ્પૅક્ટ પ્લેયર સમીર રિઝવીનું ફૉર્મ ચિંતાનો વિષય છે. રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોની ફિનિશર તરીકે ધમાલ મચાવી રહ્યા છે. ચેન્નઈના બોલરોમાં મથિશા પથીરાના સર્વશ્રેષ્ઠ છે; પરંતુ ફાસ્ટ બોલરો દીપક ચહર, તુષાર દેશપાંડે અને મુસ્તફિઝુર રહેમાન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. લેફ્ટ આર્મ સ્પિનર જાડેજાએ બોલિંગમાં સુધારો કરવો પડશે.

લખનઉ માટે હંમેશાંની જેમ રન બનાવવાની જવાબદારી કૅપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડીકૉક પર રહેશે. વાઇસ કૅપ્ટન નિકોલસ પૂરન પાસે પણ આજે વધારે સારા પ્રદર્શનની આશા રહેશે. બે મૅચથી બહાર યુવા ફાસ્ટ બોલર મયંક યાદવ આજે ઈજામાંથી રિકવર થઈ વાપસી કરશે કે નહીં એના પર સૌની નજર રહેશે. તેની ગેરહાજરીમાં ઝડપી બોલર મોહસિન ખાન અને યશ ઠાકુરે ચેન્નઈને ઓછા સ્કોર સુધી સીમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ડેબ્યુ મૅચમાં વિકેટ ન લઈ શકનાર મૅટ હેન્રી આજે લખનઉ માટે વિકેટ લેવાનો ભરપૂર પ્રયાસ કરશે. 

sports news sports cricket news IPL 2024 chennai super kings lucknow super giants ms dhoni ravindra jadeja