દિલ્હી ચેપૉકમાં ચેન્નઈ સામે છેલ્લે ૧૫ વર્ષ પહેલાં મૅચ જીત્યું હતું

05 April, 2025 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે નવમાંથી ફક્ત બે મૅચ હાર્યું છે ચેન્નઈ, ૨૦૦૮ અને ૨૦૧૦માં જ ચેન્નઈના ગઢમાં જીત મેળવી શક્યું છે દિલ્હી

પ્રૅક્ટિસ દરમ્યાન દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ

IPLની ૧૭મી મૅચ આજે બપોરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. ચેપૉક સ્ટેડિયમમાં અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી જીતની હૅટ-ટ્રિક કરવા જ્યારે ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં ચેન્નઈ હારની હૅટ-ટ્રિકથી બચવા માટે ઊતરશે. બન્ને ટીમ વચ્ચેની છેલ્લી પાંચ મૅચમાં ચેન્નઈને માત્ર એક વાર ૨૦૨૪ની છેલ્લી મૅચમાં દિલ્હીએ માત આપી હતી.

દિલ્હી સામે હેડ ટુ હેડ રેકૉર્ડની સાથે ચેપૉક સ્ટેડિયમમાં પણ ચેન્નઈ દમદાર રેકૉર્ડ ધરાવે છે. ચેન્નઈના ગઢ ચેપૉકમાં આ બન્ને ટીમ વચ્ચે નવ મૅચ રમાઈ છે જેમાંથી સાત મૅચમાં હોમ ટીમે બાજી મારી છે. દિલ્હી આ મેદાન પર ૨૦૦૮ અને ૨૦૧૦ની શરૂઆતની બે જ મૅચ જીતી શક્યું હતું. ત્યારે ફ્રૅન્ચાઇઝીનું નામ દિલ્હી ડેરડેવિલ્સ હતું. ત્યારે ચેન્નઈ આ ટીમ સામે સળંગ સાત મૅચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત્યું છે.

દિલ્હી કૅપિટલ્સના કરુણ નાયર અને કુલદીપ યાદવ સાથે ચેન્નઈ સુપર કિંગ્સનો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૩૦

CSKની જીત

૧૯

DCની જીત

૧૧

આજે CSK માટે કૅપ્ટન્સી કરશે મહેન્દ્ર સિંહ ધોની?

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બૅટિંગકોચ માઇકલ હસીએ મીડિયા સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો હતો. રેગ્યુલર કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ હાથની ઇન્જરીને કારણે દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચમાંથી બહાર થઈ શકે છે. ફિટનેસ-ટેસ્ટ બાદ મૅચ અંગેની તેની ઉપલબ્ધતા નક્કી કરવામાં આવશે. તેના સ્થાને વિકેટકીપર-બૅટર અને ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કૅપ્ટન્સી કરી શકે છે એવા સંકેત પણ હસી તરફથી મળ્યા હતા. જોકે ટીમ પાસે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો પણ વિકલ્પ ઉપલબ્ધ રહેશે.

મૅચનો સમય
બપોરે ૩.3૦ વાગ્યાથી

હું ધોનીને મારા ક્રિકેટિંગ ફાધર માનું છું : પથિરાના

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાનાએ એક ઇન્ટરવ્યુમાં મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરી હતી. ૨૦૨૨થી CSKના ભાગ રહેલો પથિરાના કહે છે, ‘ધોની મારા પપ્પા જેવા છે, કારણ કે જ્યારે હું CSKનો હોઉં છું ત્યારે તેઓ મને ટેકો આપે છે અને માર્ગદર્શન આપે છે. તેઓ મારા પપ્પા ઘરે જે કામ કરે છે એના જેવું જ છે એથી હું ધોનીને મારા ક્રિકેટ-પિતા માનું છું.’

બાવીસ વર્ષનો શ્રીલંકન ફાસ્ટ બોલર પથિરાના આ IPL સીઝનમાં બે મૅચ રમ્યો છે અને બન્નેમાં તેણે બે-બે વિકેટ લીધી છે.  

indian premier league IPL 2025 chennai super kings delhi capitals axar patel mahendra singh dhoni ruturaj gaikwad cricket news sports news sports