23 May, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ
ઑલરાઉન્ડર અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કૅપિટલ્સની ટીમે આ વર્ષે ચૅમ્પિયન ટીમની જેમ શરૂઆત કરી હતી. સીઝનની શરૂઆતમાં લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને હરાવીને દિલ્હીએ સૌને ચોંકાવી દીધા હતા. જોકે સીઝનની પહેલી ચારેય મૅચ જીત્યા બાદ પણ પ્લેઑફ્સ માટે ક્વૉલિફાય ન કરનાર એ પહેલી ટીમ બની છે. હમણાં સુધી ૧૩ મૅચમાંથી ૬ જીત અને ૬ હાર મેળવી ચૂકી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.
પાંચમી મૅચમાં તેને મુંબઈ ઇન્ડિયન્સ સામે સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. એ મૅચ સહિત દિલ્હીએ રમેલી નવ મૅચમાં માત્ર બે જ મૅચમાં જીત મળી હતી. એક મૅચ વરસાદને કારણે રદ રહી હતી, જ્યારે વર્તમાન સીઝનની ૬ હાર એની છેલ્લી ૯ મૅચ દરમ્યાન જ મળી હતી. બુધવારે મુંબઈ ઇન્ડિન્સ સામે ફરી હાર મળતાં પહેલી વાર IPL ટ્રોફી જીતવાનું સ્વપ્નું અધૂરું જ રહી ગયું હતું. આ ટુર્નામેન્ટમાં ૬ સીઝનમાં ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખનાર આ ટીમ છેલ્લે ૨૦૨૧માં પ્લેઑફ્સ મૅચ રમી હતી. દિલ્હી પોતાની ૧૪મી અને અંતિમ મૅચ ૨૪ મેએ જયપુરમાં પંજાબ કિંગ્સ સામે રમશે.