09 May, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોની
IPLમાં આ રેકૉર્ડ કરનાર પહેલો પ્લેયર્સ બન્યો, રવીન્દ્ર જાડેજા ૮૦ વખત સાથે બીજા ક્રમે છે
ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે વિકેટે હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2025માં માત્ર ત્રીજી જીત નોંધાવી છે. ચેન્નઈના સ્પિનર નૂર અહમદ (૩૧ રનમાં ચાર વિકેટ)ની શાનદાર બોલિંગ સામે કલકત્તાએ તેમના કૅપ્ટન અજિંક્ય રહાણે (૩૩ બૉલમાં ૪૮ રન)ની ઇનિંગ્સના આધારે છ વિકેટે ૧૭૯ રન કર્યા હતા. ચેન્નઈએ ડેવોલ્ડ બ્રેવિસ (પચીસ બૉલમાં બાવન રન) અને શિવમ દુબે (૪૦ બૉલમાં ૪૫ રન)ની શાનદાર ઇનિંગ્સની મદદથી ૮ વિકેટ ગુમાવી બે બૉલ પહેલાં ૧૮૩ રન ફટકારી આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ચેન્નઈએ ઑલમોસ્ટ છ વર્ષ બાદ ૧૮૦ કે એથી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે. આ પહેલાં ૧૨ વખત આટલા રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ મૅચમાં ૧૮ બૉલમાં ૧૭ રનની અણનમ ઇનિંગ્સ રમીને એક અનોખો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. તે IPLમાં ૧૦૦ નૉટ-આઉટ ઇનિંગ્સ રમનાર પહેલો પ્લેયર બન્યો છે. ૨૭૬ IPL મૅચનો અનુભવ ધરાવતા ધોની બાદ આ લિસ્ટમાં રવીન્દ્ર જાડેજા (૮૦ વખત), કાઇરોન પોલાર્ડ (બાવન વખત), દિનેશ કાર્તિક (૫૦ વખત) અને ડેવિડ મિલર (૪૯ વખત) પણ સામેલ છે.