ગુજરાત આઉટ, ફાઇનલમાં પહોંચવા પંજાબ સામે ટકરાશે મુંબઈ

01 June, 2025 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈએ પાંચ વિકેટે ૨૨૮ રન ખડકી દીધા, ગુજરાત ૬ વિકેટે ૨૦૮ રન બનાવીને ૨૦ રને હાર્યું : અંતિમ ૧૨ બૉલમાં જીત માટે જરૂરી ૩૬ રન ન કરી શક્યું ગુજરાત

ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ માત્ર ૧ રન બનાવીને આઉટ થયો એની ઉજવણી કરતા મુંબઈના પ્લેયર્સ

IPL 2025ની એલિમિનેટર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ૨૦ રને ગુજરાત ટાઇટન્સને હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં એન્ટ્રી મારી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર મુંબઈએ પ્લેઑફ્સ મૅચમાં રેકૉર્ડ ૧૭ સિક્સરની મદદથી પાંચ વિકેટે મુલ્લાંપુરમાં IPLનો અને એલિમિનેટરનો અત્યાર સુધીનો હાઇએસ્ટ ૨૨૮ રનનો સ્કોર ઊભો કર્યો હતો. ગુજરાતે સાઈ સુદર્શન અને વૉશિંગ્ટન સુંદરની ૮૪ રનની પાર્ટનરશિપના આધારે ૬ વિકેટે ૨૦૮ રન કર્યા હતા.

ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાત એલિમિનેટર મૅચ હારીને ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ૧ જૂને પંજાબ કિંગ્સ સામે ક્વૉલિફાયર-ટૂ મૅચ રમવા અમદાવાદ રવાના થશે.

રોહિત શર્મા: રન - ૮૧ , બૉલ - ૫૦, ચોગ્ગા - ૯, છગ્ગા - ૪, સ્ટ્રાઇક-રેટ - ૧૬૨.૦૦

મુંબઈના સ્ટાર બૅટર રોહિત શર્મા (૫૦ બૉલમાં ૮૧ રન)એ પોતાના નવા ઓપનિંગ પાર્ટનર જૉની બેરસ્ટૉ (બાવીસ બૉલમાં ૪૭ રન) સાથે મળીને ૮૪ રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ગુજરાતના પ્લેયર્સની ખરાબ ફીલ્ડિંગ અને વારંવાર મળેલા જીવતદાનનો ફાયદો ઉઠાવીને મુંબઈએ આ સીઝનનો પોતાનો પાવરપ્લેનો હાઇએસ્ટ ૭૯ રનનો સ્કોર કર્યો હતો. નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારનાર રોહિત શર્મા પ્લેઑફ્સમાં મુંબઈ માટે હાઇએસ્ટ રનની ઇનિંગ્સ રમનાર પ્લેયર બન્યો હતો. T20માં રેકૉર્ડ સતત ૧૫મી વાર પચીસ પ્લસનો સ્કોર કરનાર સૂર્યકુમાર યાદવ (૨૦ બૉલમાં ૩૩ રન) સાથે રોહિતે બીજી વિકેટ માટે ૫૯ રનની ભાગીદારી કરી હતી.

તિલક વર્મા (૧૧ બૉલમાં પચીસ રન) અને કૅપ્ટન હાર્દિક પંડ્યા (નવ બૉલમાં બાવીસ રન)એ વિશાળ સ્કોર કરવામાં યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૫૩ રનમાં બે વિકેટ) અને સ્પિનર સાઈ સુદર્શન (૪૨ રનમાં બે વિકેટ) સૌથી વધુ સફળ રહ્યા હતા.

ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ (બે બૉલમાં એક રન) પહેલી વાર પ્લેઑફ્સમાં સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો. પહેલી ઓવરમાં જ સાથી ઓપનરની વિકેટ ગુમાવ્યા બાદ સાઈ સુદર્શને (૪૯ બૉલમાં ૮૧ રન) ૧૬મી ઓવર સુધી બાજી સંભાળી રાખી હતી. તેણે કુસલ મેન્ડિસ (૧૦ બૉલમાં ૨૦ રન) સાથે બીજી વિકેટની ૬૪ રનની અને વૉશિંગ્ટન સુંદર (૨૪ બૉલમાં ૪૮ રન) સાથે ત્રીજી વિકેટની ૮૪  રનની પાર્ટનરશિપ કરીને શાનદાન લડત આપી હતી.

સાઈ સુદર્શન: રન - ૮૧, બૉલ - ૪૯, ચોગ્ગા - ૧૦, છગ્ગો - ૧, સ્ટ્રાઇક-રેટ - ૧૬૫.૩૧

ગુજરાતના ફિનિશર શેરફેન રૂધરફોર્ડ (૧૫ બૉલમાં ૨૪ રન), રાહુલ તેવટિયા (૧૧ બૉલમાં ૧૬ રન અણનમ) અને શાહરુખ ખાન (૭ બૉલમાં ૧૩ રન) અંતિમ ૧૨ બૉલમાં જીત માટે જરૂરી ૩૬ રન કરી શક્યા નહોતા. મુંબઈ તરફથી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (૫૬ રનમાં બે વિકેટ) સૌથી સફળ રહ્યો હતો. જસપ્રીત બુમરાહ (૨૭ રનમાં એક વિકેટ) સહિતના ચાર બોલરને એક-એક સફળતા મળી હતી.

300
IPLમાં આટલી સિક્સર ફટકારનાર પહેલો ભારતીય અને ઓવરઑલ ક્રિસ ગેઇલ બાદ બીજો બૅટર બન્યો રોહિત શર્મા.

7000
આટલા રન IPLમાં ફટકારનાર વિરાટ કોહલી બાદ બીજો બૅટર બન્યો રોહિત શર્મા. 

mumbai indians gujarat titans IPL 2025 indian premier league cricket news sports sports news