10 May, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીમના સભ્યો ભારતીય રેલવે અને પંજાબની પોલીસની મદદથી ધરમશાલાથી દિલ્હી સુરક્ષિત પહોંચવામાં સફળ રહ્યા હતા
ગુરુવારે સરહદી રાજ્ય હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પ્લેયર્સ અને દર્શકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને IPL મૅચ અધવચ્ચે રોકવી પડી હતી. ગઈ કાલે બન્ને ટીમના પ્લેયર્સ, સ્ટાફ, તેમની ફૅમિલી અને બ્રૉડકાસ્ટિંગ ટીમના સભ્યો ભારતીય રેલવે અને પંજાબની પોલીસની મદદથી ધરમશાલાથી દિલ્હી સુરક્ષિત પહોંચવામાં સફળ રહ્યા હતા. તેમની વચ્ચેની અધૂરી મૅચ ફરી રમાશે કે નહીં એની કોઈ અપડેટ આપવામાં આવી નથી. પૉઇન્ટ ટેબલમાં પણ આ મૅચનો નો-રિઝલ્ટ જાહેર કરીને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઍરપોર્ટ અને ફ્લાઇટ્સ બંધ હોવાથી તમામને ઑલમોસ્ટ ૪૦થી ૫૦ નાનાં વાહનોમાં હોટેલથી હિમાચલ પ્રદેશની કાંગડા પોલીસની સુરક્ષા હેઠળ પંજાબના હોશિયારપુર લઈ જવામાં આવ્યા હતા. પંજાબ પોલીસે અહીંથી સુરક્ષાવ્યવસ્થા સંભાળી લીધી હતી અને જલંધર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનમાં તેમને દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા.
IPLના સોશ્યલ મીડિયા પર ટ્રેનની અંદર બેઠેલા ક્રિકેટર્સનો એક વિડિયો શૅર કરીને રેલવે મંત્રાલયનો આભાર માનવામાં આવ્યો હતો.