30 April, 2025 05:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
જ્યારે કુલદીપ યાદવે રિંકુ સિંહને માર્યા લાફા
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કુલદીપે રિંકુને બે વાર થપ્પડ મારી હતી. આ વીડિયો સામે આવ્યા પછી, ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા કે કુલદીપે રિંકુને શા માટે થપ્પડ મારી.
કુલદીપ યાદવ અને રિંકુ સિંહ વચ્ચેના થપ્પડ વિવાદ પર કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR)હવે પોતાનું મૌન તોડ્યું છે અને આવી કોઈ ઘટનાનો ઇનકાર કર્યો છે. ખરેખર, મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને કેકેઆર વચ્ચે રમાયેલી મેચ પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કુલદીપે રિંકુને બે વાર થપ્પડ મારી હતી. આ વીડિયો સામે આવ્યા પછી, ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા કે કુલદીપે રિંકુને શા માટે થપ્પડ મારી.
વીડિયો જોતાં એવું લાગતું હતું કે કુલદીપ યાદવે રમત રમતમાં હળવાશથી રિંકુના ચહેરા પર બે વાર થપ્પડ મારી હતી, જેનાથી KKRનો બેટ્સમેન મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. ભારતીય ટીમ માટે સાથે રમતા કુલદીપ અને રિંકુ વચ્ચે સારી મિત્રતા છે અને અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ દરમિયાન બંને ખેલાડીઓ ખુશ દેખાતા હતા. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રિંકુ વાત કરી રહ્યો હતો અને હસતો હતો, પરંતુ પછી કુલદીપે કોઈ વાતને લઈને રિંકુને થપ્પડ મારી દીધી. આ પછી, રિંકુએ કુલદીપ સામે આશ્ચર્યથી જોયું અને પછી ફરીથી કુલદીપ રિંકુને થપ્પડ મારી.
આ વિવાદ પછી, KKRએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કુલદીપ અને રિંકુ વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં, બંને `પ્રેમ`નું ચિહ્ન બનાવતા અને એકબીજાના ખભા પર હાથ રાખીને ઉભા થે. આ વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે બંન્ને વચ્ચેની મિત્રતા કેટલી ગાઢ છે.
મેચની વાત કરીએ તો, KKRએ દિલ્હીને 14 રને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. અંગકૃષ રઘુવંશીના શાનદાર 44 રનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR એ 20 ઓવરમાં નવ વિકેટે 204 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હી નિર્ધારિત ઓવરોમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શક્યું અને સતત બીજી મેચ હારી ગયું. દિલ્હીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં ઘરઆંગણે કુલ ચાર મેચ રમી છે. આમાં, તેઓએ ત્રણ મેચ હારી જ્યારે એક સુપર ઓવરમાં જીતી. જ્યારે, ઘરઆંગણેથી બહાર, અક્ષર પટેલની ટીમે છમાંથી પાંચ મેચ જીતી હતી જ્યારે એકમાં તેમનો પરાજય થયો હતો. મંગળવારે આ જીત સાથે, કોલકાતાએ પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી છે. તેના ખાતામાં નવ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.271 થઈ ગયો છે. તે જ સમયે, દિલ્હી ૧૨ પોઈન્ટ અને ૦.૩૬૨ ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે.