02 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેન બૉન્ડ અને જસપ્રીત બુમરાહનો ફાઇલ ફોટો.
મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ અને રાજસ્થાન રૉયલ્સના વર્તમાન બોલિંગ કોચ શેન બૉન્ડે ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વિશે મોટું નિવેદન આપ્યું છે. ન્યુ ઝીલૅન્ડનો આ ૪૯ વર્ષનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કહે છે, ‘બુમરાહની ૨૦૨૩માં સર્જરી થઈ હતી, પણ તેણે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ રમી અને અવિશ્વસનીય પ્રદર્શન કર્યું. તેણે એ એક મહિનામાં ઘણી વધારે બોલિંગ કરી, પણ તેની પીઠ તૂટી નથી. તેને ફ્રૅક્ચર નથી થયું, તે ફ્રૅક્ચરની સીમા પર છે. પરંતુ ભારતે એ શીખ્યું હશે કે જો ઇંગ્લૅન્ડમાં પાંચ ટેસ્ટ-મૅચની આગામી સિરીઝમાં પણ બુમરાહ આ જ (વધુ બોલિંગ) કરશે તો કદાચ તેમને પણ એવું જ (ઇન્જરી) પરિણામ મળશે.’
ભૂતકાળમાં મુંબઈની ફ્રૅન્ચાઇઝીમાં બુમરાહ સાથે કામ કરનાર શેન બૉન્ડે આ નિવેદનથી મુંબઈ અને ભારતની ટીમને તેની ફિટનેસને લઈને સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. બુમરાહ હાલમાં બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં નેટ પ્રૅક્ટિસ કરીને પીઠની ઇન્જરીમાંથી ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે.