અંતિમ ઓવરમાં નબળી પડેલી રાજસ્થાનની સળંગ ચોથી હાર

21 April, 2025 07:03 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

લખનઉના ફાસ્ટ બોલર આવેશ ખાને અંતિમ ઓવરમાં નવ રન ડિફેન્ડ કરીને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવી લીધી, વૈભવ સૂર્યવંશીની શાનદાર ડેબ્યુ ઇનિંગ્સ પર પાણી ફરી વળ્યું : લખનઉએ પાંચ વિકેટે ૧૮૦ રન ફટકાર્યા, પણ રાજસ્થાન પાંચ વિકેટે ૧૭૮ રન બનાવીને બે રને હાર્યું

રાજસ્થાન રૉયલ્સને બે રને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે

IPL 2025ની ૩૬મી મૅચમાં હોમ ટીમ રાજસ્થાન રૉયલ્સને બે રને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. લખનઉએ પાંચ વિકેટ ગુમાવીને ૧૮૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ રાજસ્થાનની ટીમ પાંચ વિકેટે ૧૭૮ રન જ ફટકારી શકી હતી. વર્તમાન સીઝનમાં રાજસ્થાનની આ સળંગ ચોથી હાર હતી.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર લખનઉએ કૅપ્ટન રિષભ પંત (નવ બૉલમાં ત્રણ રન) સહિતની ત્રણ મોટી વિકેટ ૭.૪ ઓવરમાં ૫૪ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. અહીંથી ઓપનર ઍડન માર્કરમે (૪૫ બૉલમાં ૬૬ રન) ચોથી વિકેટ માટે યંગ બૅટર આયુષ બદોની (૩૪ બૉલમાં ૫૦ રન) સાથે ૭૬ રનની પાર્ટનરશિપ કરીને ટીમના સ્કોરમાં વધારો કર્યો હતો. સાતમા ક્રમે આવીને અબ્દુલ સમદે ૩૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ચાર છગ્ગાની મદદથી ૧૦ બૉલમાં ૩૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

રાજસ્થાન માટે સ્પિનર વાનિન્દુ હસરંગા (૩૧ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. રાજસ્થાનના ફાસ્ટ બોલર સંદીપ શર્મા (પંચાવન રનમાં એક વિકેટ)એ ૨૦મી ઓવરમાં ૨૭ રન આપી દીધા હતા જેના કારણે લખનઉએ પાંચ વિકેટે ૧૮૦ રનનો સ્કોર ઊભો કર્યો હતો.

૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે રાજસ્થાને યંગ ઓપનર્સની જોડીને મેદાનમાં ઉતારી હતી. યશસ્વી જાયસવાલ (બાવન બૉલમાં ૭૪ રન) અને વૈભવ સૂર્યવંશી (૨૦ બૉલમાં ૩૪ રન)  બાવન બૉલમાં ૮૫ રનની પાર્ટનરશિપ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. યંગેસ્ટ પ્લેયર વૈભવે ૧૭૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બે ચોગ્ગા અને ત્રણ યાદગાર છગ્ગા ફટકાર્યા હતા. ટુર્નામેન્ટના પોતાના પહેલા જ બૉલે સિક્સર સાથે શરૂઆત કર્યા બાદ જ્યારે વૈભવ સ્ટમ્પ્ડ આઉટ થયો ત્યારે તે રડતો-રડતો પૅવિલિયનમાં પાછો ફર્યો હતો.

સ્ટૅન્ડ ઇન કૅપ્ટન રિયાન પરાગે (૨૬ બૉલમાં ૩૯ રન) ત્રીજી વિકેટ માટે યશસ્વી સાથે ૬૨ રનની ભાગીદારી કરીને ટીમની જીત ઑલમોસ્ટ પાકી કરી લીધી હતી, પણ લખનઉ માટે ફાસ્ટ બોલર આવેશ ખાને (૩૭ રનમાં ત્રણ વિકેટ) અંતિમ ઓવરમાં નવ રન ડિફેન્ડ કરીને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવી લીધી હતી. રાજસ્થાનના પ્રતિભાશાળી બૅટર્સ ધ્રુવ જુરેલ (પાંચ બૉલમાં છ રન અણનમ) અને શુભમ દુબે (ત્રણ બૉલમાં ત્રણ રન અણનમ) અંતિમ ઓવરમાં નિષ્ફળ સાબિત થયા હતા.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ગુજરાત

+૦.૯૮૪

૧૦

દિલ્હી

+૦.૫૮૯

૧૦

પંજાબ

૫ 

+૦.૩૦૮

૧૦

લખનઉ

૫ 

+૦.૦૮૮

૧૦

બૅન્ગલોર

+૦.૪૪૬

કલકત્તા

+૦.૫૪૭

મુંબઈ

૩ 

+૦.૨૩૯

રાજસ્થાન

-૦.૭૧૪

હૈદરાબાદ

-૧.૨૧૭

ચેન્નઈ

-૧.૨૭૬

 

indian premier league IPL 2025 rajasthan royals lucknow super giants jaipur yashasvi jaiswal Rishabh Pant riyan parag avesh khan dhruv Jurel cricket news sports news sports