15 April, 2025 06:56 AM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
SRHની ટીમ અને બસ (તસવીર: સોશિયલ મીડિયા)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ખેલાડીઓ હાલમાં જે લક્ઝરી હૉટેલમાં રોકાયા છે ત્યાં આગ લાગી હતી. બંજારા હિલ્સ વિસ્તારમાં આવેલા પાર્ક હયાતના પહેલા માળે આગ લાગી હતી, જેનાથી કોરિડોરમાં ધુમાડો નીકળતો હતો. આ આગ લગતા જ દરેક ખેલાડીઓ દોડીને હૉટેલની બહાર આવી ગયા હોવાના અહેવાલ છે. આ આગની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં SRHની બસ હૉટેલથી બહાર નીકળતા જોવા મળી રહી છે. જોકે આ વીડિયોની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
આ આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, ફાયર ફાઇટરોએ ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કોઈ પણ ખેલાડી કે ઓરેન્જ આર્મીના જવાનોને ઈજા થઈ નથી અને પરિસ્થિતિને પગલે તેમને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના 14 એપ્રિલ, 2025 ના રોજ સવારે 8:50 વાગ્યે બની હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આગામી તેલુગુ ફિલ્મ `ઓડેલા 2` માટે પ્રી-રિલીઝ ફંક્શન સાંજે આ હૉટેલમાં જ યોજાવાનું હતું.
હૉટેલમાં આગને લઈને માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત ફ્લૉરમાંથી નીકળતા ગાઢ ધુમાડાના ગોટેગોટાને કારણે મહેમાનો અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંથી ઘણા લોકોએ સાવચેતી રૂપે જગ્યા ખાલી કરાવી દીધી હતી. આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી, અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ક્રિકેટ ટીમ હોટલમાં રોકાઈ હતી. હૈદરાબાદ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, ટીમે તેમના સમયપત્રક મુજબ ચેક આઉટ કર્યું હતું અને બધા સભ્યો સુરક્ષિત છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે આગ પહેલા માળે ઇલેક્ટ્રિકલ વાયરિંગને કારણે લાગી હશે.
સનરાઇઝર્સ હૈદરાબાદનો ચાર મૅચનો પરાજયનો સિલસિલો તોડી નાખ્યો
આઇપીએલની આ સિઝનમાં પૅટ કમિન્સની આગેવાની હેઠળની ઓરેન્જ આર્મીએ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવીને દસ ટીમોની ટુર્નામેન્ટમાં તેમનો ચાર મૅચમાં સતત પરાજય થવાનો સિલસિલો તોડી નાખ્યો છે.
૨૪૬ રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરતા, ટ્રૅવિસ હૅડ અને અભિષેક શર્માએ ૧૭૧ રનની ઑપનિંગ ભાગીદારી નોંધાવી, જેનાથી પંજાબ સ્તબ્ધ થઈ ગયું. શનિવારની મૅચ સુધી ટુર્નામેન્ટમાં કોઈ પ્રદર્શન ન કરનાર અભિષેક ખાસ કરીને ક્રૂર હતો કારણ કે તેણે ૫૫ બૉલમાં ૧૪૧ રન બનાવ્યા હતા. સનરાઇઝર્સે કુલ સ્કોરને ૧૮.૨ ઓવરમાં જ ચેસ કરી લીધો હતો અને તેને આઈપીએલના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ સફળ રન-ચેઝ બનાવ્યો. પોઇન્ટ્સ ટેબલની વાત કરીએ તો એસઆરએચએ છમાંથી બે મૅચ જીતી છે, જેથી તે ચાર પોઇન્ટ્સ સાથે નવમા સ્થાને પર છે