01 December, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આન્દ્રે રસેલ
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કદાવર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લઈ લીધી છે. KKR સાથે બે વાર IPL જીતેલો રસેલ જોકે આ ટુર્નામેન્ટની ૨૦૨૬ની એડિશનમાં આ ટીમના ‘પાવર કોચ’ તરીકે જોવા મળશે. પોતાના પાવરફુલ હિટિંગ માટે જાણીતા રસેલ માટે KKRના મૅનેજમેન્ટે આ નવી પોસ્ટ ઊભી કરી છે. રસેલ KKR માટે ૧૨ સીઝનથી રમી રહ્યો છે, પણ ડિસેમ્બરમાં યોજાનારા મિની ઑક્શન પહેલાં તેને ટીમે રિલીઝ કરી દીધો એને પગલે તેણે રિટાયરમેન્ટનો નિર્ણય લીધો છે. તેનું કહેવું છે કે તે પોતાને બીજી કોઈ ટીમની જર્સીમાં નથી જોઈ શકતો અને આ વિચારથી જ તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
IPLમાં આન્દ્રે રસેલ
IPL કરીઅર દરમ્યાન આન્દ્રે રસેલ કુલ ૧૪૦ મૅચ રમ્યો છે જેમાં તેણે ૧૭૪.૧૮ના સ્ટ્રાઇક-રેટ સાથે ૨૬૫૧ રન કર્યા છે અને ૧૨૩ વિકેટ લીધી છે. KKR માટે તેણે ૨૫૯૩ રન કર્યા છે અને ૧૨૨ વિકેટ લીધી છે. ૨૦૧૫ અને ૨૦૧૯ની IPLમાં તેને મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરનો ખિતાબ મળ્યો હતો.