04 April, 2026 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી સામેની મૅચ માટે નેટ-પ્રૅક્ટિસ કરતા તિલક વર્મા, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ
IPL 2026માં પ્રથમ ડબલ-હેડરની પહેલી મૅચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતી ઑલરાઉન્ડર્સ અક્ષર પટેલ દિલ્હી કૅપિટલ્સના અને હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના વિજયરથને જાળવી રાખવા માટે મેદાન પર ટકરાશે. મુંબઈએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૨૨૧ રનનો રેકૉર્ડ-ટાર્ગેટ ચેઝ કરીને વિજયી શરૂઆત કરી હતી. દિલ્હીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૪૨ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને ધમાકેદાર શરૂઆત કરી હતી.
દિલ્હીની નજર આજે ટૉપ-ઑર્ડરને મજબૂત બનાવવા પર રહેશે. દિલ્હીએ ગયા વર્ષે ૭ અલગ-અલગ ઓપનિંગ કૉમ્બિનેશનનો પ્રયોગ કર્યો હતો. દિલ્હીએ પહેલી મૅચમાં કે. એલ. રાહુલ અને પથુમ નિસન્કા સાથે ઓપનિંગ કરી પરંતુ નિષ્ફળતા મળી હતી. જોકે મુખ્ય પેસ બોલર મિચલ સ્ટાર્કની ગેરહાજરીમાં પણ ટીમના બોલિંગ-યુનિટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મુંબઈના બૅટિંગ-યુનિટની સાથે બોલિંગ-યુનિટને વધુ મજબૂત બનાવવા ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન અને સ્પિનર-ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર પણ સ્ક્વૉડ સાથે જોડાઈ ગયો છે. ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર વિલ જૅક્સ ક્યારે જોડાશે એની સ્પષ્ટતા મળી નથી.
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ ૯૦ IPL મૅચમાંથી ૪૦ મૅચ જીતી છે, ૪૯ મૅચમાં હાર મળી છે અને ૧ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. મુંબઈ અહીં ૧૯માંથી ૧૧ મૅચ જીત્યું છે અને ૮ મૅચ હાર્યું છે. આ મેદાન પર બન્ને ટીમ વચ્ચે ૧૩ મૅચ રમાઈ છે, એમાંથી દિલ્હી ૭ મૅચ અને મુંબઈ ૬ મૅચ જીત્યું હતું. છેલ્લી સીઝનમાં દિલ્હીની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર પાંચમાંથી માત્ર એક મૅચ જીતી હતી. એ જીત રાજસ્થાન રૉયલ્સ સામેની સુપર ઓવર મૅચમાં મળી હતી.