14 April, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજસ્થાન રૉયલ્સનો મૅનેજર રોમી ભિંડર
ગુવાહાટીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની IPL મૅચ દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ રાજસ્થાન રૉયલ્સનો મૅનેજર રોમી ભિંડર વિવાદોમાં ફસાયો છે. હવે ભારતીય ક્રિકેટ બોર્ડના ઍન્ટિ-કરપ્શન ઍન્ડ સિક્યૉરિટી યુનિટે (ACSU) તેને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેણે આગામી ૪૮ કલાકની અંદર આ ઘટના બાબતે જવાબ આપવો પડશે. IPL મૅચ દરમ્યાન માત્ર ટીમ-મૅનેજરોને ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી છે, પરંતુ ફક્ત ડ્રેસિંગ રૂમની અંદર. આ કિસ્સામાં તે ડ્રેસિંગ રૂમથી દૂર મેદાનની નજીક ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. કોવિડ-19 રોગચાળા પછી ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ-મૅનેજરને ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું હતું.
૪૪ વર્ષના રોમી ભિંડરના સ્વાસ્થ્યને લઈને કેટલાક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. IPLની નવી સીઝન પહેલાં તે ફેફસાંની ગંભીર બીમારીનો શિકાર બન્યો હતો. તેને એક અઠવાડિયા માટે વેન્ટિલેટર પર રહેવાની ફરજ પડી હતી. અહેવાલ અનુસાર તે ફોનનો ઉપયોગ તબીબી સલાહ માટે લઈ રહ્યો હતો. તેને અસ્થમાની પણ સમસ્યા છે. તેને વારંવાર સીડી ન ચડવાની સલાહ આપવામાં આવી છે. ગુવાહાટીમાં ડ્રેસિંગ રૂમ પહેલા માળે હોવાથી તે ડગઆઉટમાં જ ફોન લઈને બેઠો હોવાના અહેવાલ મળી રહ્યા છે.