20 April, 2026 03:34 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
શનિવારે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઠ વર્ષથી પરાજિત રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧૦ રને હાર મળતાં ચેન્નઈને આ મેદાન પર સતત ચોથી હાર મળી હતી. હૈદરાબાદે ૯ વિકેટ ગુમાવીને ૧૯૪ રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈએ ૮ વિકેટે ૧૮૪ રન કર્યા હતા. હૈદરાબાદનો શ્રીલંકન ફાસ્ટ બોલર ઈશાન મલિંગા ૨૯ રન આપીને ૩ વિકેટ લેવાને કારણે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ૧૯૫ રનના ટાર્ગેટ-ચેઝ સમયે ચેન્નઈનો ઓપનર સંજુ સૅમસન ૩ બૉલમાં ૭ રન કરીને તંબુભેગો થઈ ગયો હતો. જોકે તેણે ઇનિંગ્સના પહેલા બૉલ પર જ ફાસ્ટ બોલર પ્રફુલ્લ હિંગેને સિક્સ ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. તે IPL ઇનિંગ્સના પહેલા જ બૉલમાં સિક્સ ફટકારનાર ચેન્નઈનો પહેલો બૅટર બન્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ આ કમાલ પહેલી જ વખત થઈ હતી.
૧૧ બૅટર કરી ચૂક્યા છે આ કમાલ
IPLમાં ઓવરઑલ ૧૧મી વખત બૅટરે ઇનિંગ્સના પહેલા જ બૉલમાં સિક્સ ફટકારી છે. ૨૦૦૮માં બ્રેન્ડન મૅક્લમે કલકત્તા તરફથી બૅન્ગલોર સામે, ૨૦૧૨માં વીરેન્દર સેહવાગે દિલ્હી માટે મુંબઈ સામે, ૨૦૧૮માં સુનીલ નારાયણે કલકત્તા માટે બૅન્ગલોર સામે, ૨૦૨૦માં પૃથ્વી શૉએ દિલ્હી માટે પંજાબ સામે, મયંક યાદવે પંજાબ માટે દિલ્હી સામે, ૨૦૨૧માં વિરાટ કોહલીએ બૅન્ગલોર માટે ચેન્નઈ સામે, ૨૦૨૩માં યશસ્વી જાયસવાલે રાજસ્થાન માટે કલકત્તા સામે, ૨૦૨૪માં ફિલ સૉલ્ટે કલકત્તા માટે હૈદરાબાદ સામે અને ૨૦૨૫માં વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન માટે મુંબઈ સામે આ પ્રકારની શરૂઆત કરી હતી.