29 March, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાનેખેડે સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ. તસવીરો : અતુલ કાંબળે
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ આજે પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ નવી સીઝનની શરૂઆત કરશે. મુંબઈકર અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આ મૅચ પડકારજનક સાબિત થશે. આ ટીમ પહેલાંથી ઇન્જરીને કારણે નબળા પડેલા બોલિંગ-યુનિટને કારણે ચિંતામાં છે.
મુંબઈ ઇન્ડિયન્સે પુષ્ટિ કરી છે કે વર્કલોડ મૅનેજમેન્ટ અને ફિટનેસના મુદ્દાઓ માટે બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સની વિઝિટ કરનાર જસપ્રીત બુમરાહ હવે ટીમની ઓપનિંગ મૅચ માટે ઉપલબ્ધ રહેશે. ન્યુ ઝીલૅન્ડનો સ્પિનર મિચલ સૅન્ટનર અને ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર વિલ જૅક્સ મુંબઈની શરૂઆતની મૅચ માટે હાજર રહી શકે એમ નથી.
મુંબઈ અને કલકત્તા વચ્ચે ૩૫ IPL મૅચ રમાઈ છે. એમાંથી મુંબઈ ૨૪ અને કલકત્તા ૧૧ મૅચ જીત્યું છે. છેલ્લી સીઝનમાં બન્ને વચ્ચે એકમાત્ર ટક્કર વાનખેડે સ્ટેડિયમમાં જ થઈ હતી. એમાં મુંબઈએ ૮ વિકેટે જીત નોંધાવી હતી. બન્ને વચ્ચેની છેલ્લી ૬ ટક્કરમાંથી કલકત્તા ૪ મૅચ જીત્યું છે.
કલકત્તાની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં ૧૮ મૅચમાંથી માત્ર પાંચ મૅચ જીતી શકી છે અને ૧૩ મૅચ હારી છે. મુંબઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૯૨ મૅચમાંથી ૫૭ મૅચ જીત્યું છે અને ૩૫ મૅચ હાર્યું છે. બન્ને ટીમ વચ્ચે આ સ્ટેડિયમમાં ૧૨ IPL મૅચ રમાઈ છે, એમાંથી કલકત્તાની ટીમ ૨૦૧૨ અને ૨૦૨૪માં જ આ હોમ ટીમને હરાવી શકી છે.