યૉર્કર ભૂલી જાઓ... પાંસળીઓ તોડો

14 May, 2026 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરાની આ જ ફૉર્મ્યુલા IPLમાં મચાવી રહી છે તબાહી

જેસન હોલ્ડર, કૅગિસો રબાડા અને મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના

આશિષ નેહરાના કોચિંગમાં ગુજરાત ટાઇટન્સે IPL 2026માં એક અત્યંત ખતરનાક ફાસ્ટ-બોલિંગ મૉડલ તૈયાર કર્યું છે. મોહમ્મદ સિરાજ, કૅગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને જેસન હોલ્ડરની ‘પેસ આર્મી’ હવે ‘હાર્ડ લેન્થ’થી બૅટ્સમેનોનો દમ ઘૂંટી રહી છે. ગુજરાતની આ ટેસ્ટ-મૅચ જેવી ફૉર્મ્યુલા IPLની બાકીની ટીમો માટે મોટો ખતરો બની ગઈ છે.

ટેસ્ટ-મૅચ જેવી ક્રૂરતા

જ્યાં મોટા ભાગની ટીમો રન અને સિક્સરો ફટકારવાવાળી ક્રિકેટ રમી રહી છે ત્યારે ગુજરાતે આ આખા તમાશામાં ટેસ્ટ-મૅચ જેવી નિર્દયતા ભેળવી દીધી છે. ગુજરાતના બોલરો બેટ્સમેનોને માત્ર આઉટ કરવા નહીં, પણ તેમને પરેશાન કરવા માટે આવે છે. સિરાજ, રબાડા, પ્રસિદ્ધ, હોલ્ડર, અર્શદ ખાન, અશોક શર્મા જેવા પેસ-અટૅક સામે બૅટ્સમેન વિચારે છે કે સ્પિનર આવશે ત્યારે થોડી રાહત મળશે, પણ ત્યારે તેમની સામે વર્લ્ડનો બેસ્ટ રાશિદ ખાન આવીને ઊભો હોય છે.

બાકીની ટીમો ડેથ ઓવર્સમાં યૉર્કર નાખવાના પ્રયાસ કરતી જોવા મળે છે ત્યારે ગુજરાતના બોલરો ટેસ્ટ-મૅચની જેમ હાર્ડ લેન્થ પર જ અડગ રહેલા જોવા મળે છે. બોલ છાતી સુધી ઊછળે છે, પુલ કરો તો કૅચ જવાનો, કટ કરો તો એજ લાગવાનો ડર તથા આગળ આવીને મારવા જાઓ તો બીટ થઈ જાઓ. આમ બૅટસમેન પાસે શૉટ મારવા કરતાં ભૂલો થવાની શક્યતાઓ વધી જાય છે.

નેહરાનું ફાસ્ટ બોલિંગ કલ્ચર

હેડ કોચ આશિષ નેહરાએ ગુજરાતને માત્ર એક ટીમ નહીં પણ ‘ફાસ્ટ બોલરોની ફૅક્ટરી’ બનાવી દીધી છે. નેહરાનું સ્પષ્ટ માનવું છે કે જો બૅટ્સમેન આરામથી શૉટ રમી રહ્યો છે તો બોલર યોગ્ય બૉલ નથી નાખી રહ્યો. આ જ કારણ છે કે ગુજરાતના બોલરો માત્ર વિકેટ નથી લેતા, મેચનો આખો મૂડ પણ બદલી નાખે છે.

ગુજરાત સાથે જોડાઈને જ મોહમ્મદ શમીએ તેનો ખોફ પાછો મેળવ્યો હતો, મોહિત શર્માની કરીઅરનો પુર્નજન્મ થયો હતો. હવે સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના બૅટરોની ટેક્નિકને હચમચાવી રહ્યા છે.

ગુજરાતનો પાવરફુલ પેસ-અટૅક

કૅગિસો રબાડા

૪૬–૧–૪૨૧-૨૧

પ્રસિદ્ધ કિષ્ના

૨૯-૦-૨૯૨-૧૪

જેસન હોલ્ડર

૨૨.૨–૦–૧૪૨-૧૩

મોહમ્મદ સિરાજ

૪૪–૧–૩૬૨-૧૩

અશોક શર્મા

૨૧–૦–૨૨૮-૬

અર્શદ ખાન

૧૦.૨–૦–૯૨-૫

શુભમન ગિલની બદલાયેલી કૅપ્ટન્સી

ગિલ હવે માત્ર પોસ્ટર-બૉય નથી રહ્યો. તેની કૅપ્ટન્સીમાં હવે ગંભીરતા દેખાઈ રહી છે. રાશિદ ખાન જેવો મૅચવિનર હોવા છતાં, ગિલ ઘણી વાર ફાસ્ટ બોલરો પર જ ભરોસો મૂકે છે કારણ કે તેને ખાતરી છે કે જો ‘હાર્ડ લેન્થ’ પર બૉલ પડશે તો બૅટ્સમૅન પોતે ભૂલ કરશે. મંગળવારે પણ તેણે રાશિદ ખાનને છેક ૧૫મી ઓવરમાં બોલિંગ આપી હતી.

અન્ય ટીમો માટે ખતરાની ઘંટી

સૌથી ડરામણી વાત એ છે કે ગુજરાત ટાઇટન્સ માત્ર અમદાવાદમાં જ નહીં પણ બહાર પણ આ જ રીતે જીતી મેળવી રહ્યું છે. જ્યારે બાકીની ટીમો ‘એન્ટરટેઇનમેન્ટ ક્રિકેટ’ રમે છે ત્યારે નેહરાનું ગુજરાત બેટ્સમેનોને યાદ અપાવે છે કે ફાસ્ટ બોલિંગ આજે પણ ક્રિકેટનો સૌથી મોટો ડર છે.

IPL 2026માં પાવરપ્લેનો કિંગ છે કૅગિસો રબાડા: આ સીઝનમાં તેણે સૌથી વધુ ૧૬ વિકેટ સાથે હરીફોને શરૂઆતમાં જ બ્રેક મારી છે

મંગળવારે કૅગિસો રબાડાએ પાવરપ્લેમાં ૩ ઓવરમાં ૨૩ રન આપીને અભિષેક શર્મા, ઈશાન કિશન અને રવિચન્દ્રન સ્મરણને આઉટ કરીને ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો. આ સીઝનમાં પાવરપ્લે (પ્રથમ ૬ ઓવર)માં સૌથી વધુ ૧૬ વિકેટ રબાડાના નામે છે. ત્યાર બાદ ૧૩ વિકેટ સાથે બૅન્ગલોરનો ભુવનેશ્વર કુમાર છે. IPLમાં ઓવરઑલ ૯૪ પાવરપ્લે વિકેટ સાથે ભુવનેશ્વર કુમાર ટૉપમાં છે. ૭૩ વિકેટ સાથે ટ્રેન્ટ બોલ્ટ બીજા નંબરે અને ૭૧ વિકેટ સાથે દીપક ચાહર ત્રીજા ક્રમાંકે છે. ૨૦૨૦ની સીઝનમાં હાઇએસ્ટ ૩૦ વિકેટ સાથે પર્પલ કૅપ જીતનાર સાઉથ આફ્રિકન પેસ બોલર રબાડાએ આ સીઝનમાં ૧૨ મૅચમાં જૉઇન્ટ હાઇએસ્ટ ૨૧ વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમારે ૧૧ મૅચમાં ૨૧ વિકેટ સાથે પર્પલ કૅપ પહેરી છે. પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ ૧૬ પૉઇન્ટ સાથે આ સીઝનની નંબર વન ટીમ ગુજરાતે સૌથી વધુ ૨૫ વિકેટ પાવરપ્લેમાં લીધી છે. બાવીન વિકેટ સાથે બૅન્ગલોર બીજા અને ૨૧ વિકેટ સાથે હૈદરાબાદ ત્રીજા ક્રમાંકે છે. 

shubman gill gujarat titans IPL 2026 ashish nehra mohammed siraj prasidh krishna sunrisers hyderabad cricket news sports sports news