લક્ષ્મી મિત્તલ અને અદર પૂનાવાલા રાજસ્થાન રૉયલ્સને ૧૫,૬૬૦ કરોડ રૂપિયામાં ખરીદશે

04 May, 2026 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાલ સોમાણી ગ્રુપ સાથેની જૂની ૧૫,૩૦૦ કરોડ રૂપિયાની ડીલ ફન્ડની અસ્પષ્ટતા અને વહીવટી ગૂંચવણોને કારણે કૅન્સલ થઈ

ફાઇલ તસવીર

રાજસ્થાનમાં જન્મેલા ઇંગ્લૅન્ડ સ્થિત સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે રાજસ્થાન રૉયલ્સ ખરીદવાની જાહેરાત કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના અદર પૂનાવાલા અને ફ્રૅન્ચાઇઝીના વર્તમાન મુખ્ય માલિક મનોજ બડાલે પણ નવા માલિકી ગ્રુપનો ભાગ બનશે. તેમણે લગભગ ૧૫,૬૬૦ કરોડ રૂપિયામાં ફ્રૅન્ચાઇઝીને હસ્તગત કરી છે.

આ વ્યવસ્થા હેઠળ મિત્તલ પરિવાર મુખ્ય માલિકો તરીકે સેવા આપશે. તેમની પાસે આશરે ૭૫ ટકા હિસ્સો હશે, જ્યારે પૂનાવાલા પાસે ૧૮ ટકા હિસ્સો હશે. બાકીનો ૭ ટકા હિસ્સો હાલના રોકાણકારો પાસે રહેશે જેમાં મનોજ બડાલેનો પણ સમાવેશ છે. આ ડીલમાં સાઉથ આફ્રિકાની પાર્લ રૉયલ્સ અને કૅરિબિયન લીગની બાર્બેડોઝ રૉયલ્સ ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

લગભગ એક મહિના પહેલાં કાલ સોમાણીની આગેવાની હેઠળનું અમેરિકા સ્થિત ગ્રુપ રાજસ્થાન રૉયલ્સનું નવું માલિક બનવાનું હતું. જોકે તેમની લગભગ ૧૫,૩૦૦ કરોડ રૂપિયાની ડીલમાં અમુક ગૂંચવણ ઊભી થઈ હતી. જૂથને ભંડોળની અસ્પષ્ટતા, બિડિંગ માળખા વિશે મુશ્કેલી ઊભી થઈ હતી. તેઓ આ અવરોધને પાર કરવામાં નિષ્ફળ ગયા એને કારણે ટીમ માટે નવી ડીલનો રસ્તો ખૂલ્યો હતો.

16,706

આટલા કરોડ રૂપિયા સાથે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની આદિત્ય બિરલા ગ્રુપ સાથેની ડીલ હજી પણ સૌથી મોટી ક્રિકેટ-ફ્રૅન્ચાઇઝી ડીલ છે.

IPL 2026 indian premier league rajasthan royals adar poonawalla cricket news sports sports news