22 April, 2026 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમીને ચાર વિકેટ લેનાર અશ્વની કુમારને અભિનંદન આપી રહેલો મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા.
અમદાવાદમાં સોમવારે તળિયાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઇંગ ઇલેવનમાં બે નવોદિત પ્લેયર્સને સામેલ કર્યા હતા. નાગપુરના બાવીસ વર્ષના ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન દાનિશ માલેવર અને ૨૧ વર્ષના પંજાબના મીડિયમ ફાસ્ટ બોલર અને નીચલા ક્રમનો બૅટ્સમૅન ક્રિશ ભગતે એકસાથે IPL ડેબ્યુ કર્યું હતું. ૩૦-૩૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ થયેલા આ ખેલાડીઓએ પ્લેઇંગ ઇલેવનમાં અનુક્રમે રાયન રિકલ્ટન અને દીપક ચહરનું સ્થાન લીધું હતું. ૧૬ એપ્રિલે ઇન્જર્ડ અથર્વ અંકોલેકરના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે ક્રિશ ભગતને કરારબદ્ધ કર્યો હતો. તે છેલ્લાં કેટલાંક વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સ ટ્રાયલનો ભાગ રહ્યો છે. તે આ વર્ષે ડી. વાય. પાટીલ T20 કપમાં રિલાયન્સ ટીમ વતી રમ્યો હતો અને આ વર્ષની પ્રી-સીઝનથી નેટ-બોલર તરીકે ટીમ સાથે છે. આ ખેલાડી ૨૦૧૯માં બંગલાદેશ સામે અન્ડર-19 એશિયા કપ ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઓપનિંગ કરવા ઊતરેલો દાનિશ માલેવર ૪ બૉલમાં બે રન કરીને કૅગિસો રબાડા સામે LBW આઉટ થયો હતો. માત્ર ૭ વર્ષની ઉંમરે સિટી જિમખાના ઍકૅડેમીમાં ક્રિકેટ કોચિંગ લેનાર આ ખેલાડીએ ૧૨ વર્ષની ઉંમરે વિદર્ભ અન્ડર-14 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિદર્ભ ૨૦૨૪-’૨૫ની સીઝનમાં રણજી ચૅમ્પિયન બન્યું ત્યારે તેણે નવ મૅચમાં બાવનની ઍવરેજથી ૭૮૩ રન કર્યા હતા. એની બૅટથી બે સદી અને છ ફિફ્ટી જોવા મળી હતી.
મુંબઈ ઇન્ડિયન્સના અભિયાનને મોટું પ્રોત્સાહન મળ્યું છે, કારણે કે ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર વિલ જૅક્સ ટીમ સાથે જોડાઈ ગયો છે. વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે T20 વર્લ્ડ કપ 2026ની સેમી ફાઇનલ મૅચની હાર બાદ માનસિક શાંતિ માટે તેણે બ્રેક લીધો હતો. હવે ઑલમોસ્ટ અડધી IPL સીઝન બાદ ભારત આવીને તેણે મુંબઈના સાથી ખેલાડીઓ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી છે. એક હાર્ડ-હિટિંગ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને સક્ષમ સ્પિનર તરીકે તેણે T20 વર્લ્ડ કપ 2026માં ધમાલ મચાવી હતી. તેણે ૮ મૅચમાં ૧૭૬.૫૬ના સ્ટ્રાઇક-રેટથી ૨૨૬ રન કર્યા હતા અને ૧૪ વિકેટ પણ લીધી હતી. તેણે ટુર્નામેન્ટમાં રેકૉર્ડ ૪ વાર પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. બૅન્ગલોર માટે ૨૦૨૩ અને ૨૦૨૪માં ૩.૨૦ કરોડ રૂપિયામાં રમ્યા બાદ તે ૨૦૨૫થી મુંબઈ માટે ૫.૨૫ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે.