મુંબઈ પલટને ૨૨૯ રનનો પોતાનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને હારનો સિલસિલો અટકાવ્યો

05 May, 2026 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિકોલસ પૂરનના ૬૩ રનની મદદથી લખનઉએ પાંચ વિકેટે ૨૨૮ રન કર્યા, જવાબમાં રોહિત-રિકલ્ટને રેકૉર્ડ ત્રીજી શતકીય ભાગીદારી કરીને સફળ રન-ચેઝનો પાયો નાખ્યો

મુંબઈના રોહિત શર્મા અને રાયન રિકલ્ટને ટીમ માટે રેકૉર્ડ ૧૪૩ રનની મૅચવિનિંગ પાર્ટનરશિપ કરી હતી

IPL 2026ની ૪૭મી મૅચમાં તળિયાની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવીને મુંબઈ ઇન્ડિયન્સે પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. લખનઉએ પાંચ વિકેટ ગુમાવીને ૨૨૮ રનનો સ્કોર કર્યો હતો, એના જવાબમાં મુંબઈએ ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટે ૨૨૯ રન કરીને પોતાનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સીઝનની શરૂઆતમાં મુંબઈએ કલકત્તા સામે પોતાનો ૨૨૧ રનનો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

નવમા ક્રમની ટીમ મુંબઈએ પોતાની જીત નોંધાવી છે અને સતત ત્રણ મૅચથી હારવાનો સિલસિલો અટકાવ્યો છે. ૧૦મા ક્રમની ટીમ લખનઉની આ લાગલગાટ છઠ્ઠી અને ઓવરઑલ સાતમી હાર છે.

ટૉસ હારનાર લખનઉએ ધમાકેદાર બૅટિંગ કરીને પોતાનો ચોથો અને આ સીઝનનો સૌથી મોટો સ્કોર પાંચ વિકેટે ૨૨૮ રનનો નોંધાવ્યો હતો. પાવરપ્લેમાં ૯૦-૧, ૬.૫ ઓવરમાં ૧૦૦ રન અને પહેલી ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૪૧ રનનો સ્કોર એ લખનઉની બૅટિંગના અત્યાર સુધીના રેકૉર્ડ આંકડા છે.

ત્રીજા ક્રમે બૅટિંગ કરનાર નિકોલસ પૂરને ૩૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૧ બૉલમાં ૧ ફોર અને ૮ સિક્સની મદદથી ૨૧ બૉલમાં ૬૩ રન ઝૂડી નાખ્યા હતા. ૧૬ T20 ઇનિંગ્સ બાદ ફિફ્ટી નોંધાવનાર આ કૅરિબિયન બૅટરે ૧૬ બૉલમાં જ ૫૦ રનનો આંકડો પાર કર્યો હતો.

મિચલ માર્શે પચીસ બૉલમાં ૪૪, હિંમત સિંહે ૨૧ બૉલમાં ૪૦ અને એઇડન માર્કરમે પચીસ બૉલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે ફાસ્ટ બોલર કોર્બિન બોર્શે બે ઓવરમાં ૨૦ રન આપીને બે વિકેટ લીધી હતી. સ્પિનર રઘુ શર્મા, વિલ જૅક્સ અને અલ્લાહ ગઝનફરને ૧-૧ સફળતા મળી હતી.

રન-ચેઝ દરમ્યાન મુંબઈના ઓપનર્સ રોહિત શર્મા અને રાયન રિકલ્ટને ટીમ માટે રેકૉર્ડ ત્રીજી વખત ૧૦૦+ રનની ભાગીદારી કરી હતી. બન્ને વચ્ચે ૧૦.૫ ઓવરમાં ૧૪૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. રાયન રિકલ્ટને ૨૫૯.૩૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૬ ફોર અને ૮ સિક્સની મદદથી ૩૨ બૉલમાં ૮૩ રન ઝૂડી નાખ્યા હતા.

ઇન્જરીમાંથી કમબૅક કરી રહેલા ઓપનર રોહિત શર્માએ ૧૯૦.૯૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૪ બૉલમાં ૬ ફોર અને ૭ સિક્સ ફટકારીને ૮૪ રન કરીને છેક ૧૪મી ઓવરમાં વિકેટ ગુમાવી હતી.

નમન ધીરે ૧૨ બૉલમાં ૨૩ રન અને સ્ટૅન્ડ ઇન કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૭ બૉલમાં ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. લખનઉના સ્પિનર મણિમરન ​​સિદ્ધાર્થે બે વિકેટ, ફાસ્ટ બોલર મોહસિન ખાન અને મોહમ્મદ શમીએ ૧-૧ વિકેટ લીધી હતી. 

7

વર્તમાન સીઝનમાં સૌથી વધુ આટલા નો-બૉલ ફેંક્યા છે જસપ્રીત બુમરાહે. ગઈ કાલે ત્રણ નો-બૉલ ફેંક્યા હતા.

IPL 2026 mumbai indians lucknow super giants wankhede indian premier league cricket news sports sports news rohit sharma suryakumar yadav tilak varma deepak chahar jasprit bumrah shardul thakur Rishabh Pant mitchell marsh mohammed shami mohsin khan avesh khan