IPLમાં હવે ડ્રેસિંગ રૂમ, જર્સી, કૅપ અને ફૅમિલી માટે પણ કડક નિયમ

25 March, 2026 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઉન્ડરી પાસે ઘણી વખત ટીમના કોચિંગ સ્ટાફ અને અન્ય પ્લેયર્સ બેઠેલા જોવા મળે છે. બાઉન્ડરી પાસેના LED બોર્ડ જ્યાં સ્પૉન્સર્સની જાહેરાત જોવા મળે છે એ જગ્યાએ હવે બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટ બોર્ડે IPL 2026 પહેલાં નવા નિયમ લાગુ કરીને ટીમ અને પ્લેયર્સની ચિંતા વધારી દીધી છે. અગાઉ IPL 2026માં પિચ અને પ્રૅક્ટિસ-સેશનને લઈને કડક નિયમ લાગુ કરવામાં આવ્યા હતા. હવે ડ્રેસિંગ રૂમ, જર્સી, કૅપ અને ફૅમિલી માટે કેટલાક વિચિત્ર નિયમ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ આવ્યા છે.

ખેલાડીઓને મૅચ પછીના પ્રેઝન્ટેશન દરમ્યાન ફ્લૉપી કૅપ અને સ્લીવલેસ જર્સી ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. હાઇએસ્ટ રન-સ્કોર અને વિકેટટેકરે મૅચ દરમ્યાન અનુક્રમે ઑરેન્જ અને પર્પલ કૅપ પહેરી રાખવી પડશે. 

બાઉન્ડરી પાસે ઘણી વખત ટીમના કોચિંગ સ્ટાફ અને અન્ય પ્લેયર્સ બેઠેલા જોવા મળે છે. બાઉન્ડરી પાસેના LED બોર્ડ જ્યાં સ્પૉન્સર્સની જાહેરાત જોવા મળે છે એ જગ્યાએ હવે બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો પ્લેયર્સની જર્સી-નંબરમાં ફેરફાર થશે તો એની જાણ મૅચના ૨૪  કલાક અગાઉથી કરવી પડશે.

ડ્રેસિંગ રૂમ અને મેદાનમાં ફક્ત માન્યતાપ્રાપ્ત સ્ટાફને જ એન્ટ્રીની મંજૂરી હશે. ફૅન્સ, મિત્રો અને વધારાના સ્ટાફને બહાર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. કેટલાક અહેવાલ અનુસાર ફૅમિલી અને મિત્રો ખેલાડીઓ સાથે ટ્રાવેલ કરી શકશે નહીં. નિયમોના પાલનમાં  નિષ્ફળતાને પરિણામે પહેલી વખત ચેતવણી અને બીજી વખત નાણાકીય દંડ થઈ શકે છે. આ નિયમ સાચે લાગુ કરવામાં આવ્યા હોય તો શું ખેલાડીઓ એનું પાલન કરશે કે નહીં એના પર સૌની નજર હશે.

IPL 2026 indian premier league cricket news sports news sports