હારનો સિલસિલો અટકાવવાનો આજે મુંબઈ સામે પંજાબને મોકો

14 May, 2026 02:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોકે ઘાયલ અને પાંચ વખતના ચૅમ્પિયનો વળતો પ્રહાર કરે તો નવાઈ નહીંઃ આજે પણ હાર્દિક પંડ્યા નથી રમવાનો, મુંબઈ પાછો ફરેલો સૂર્યકુમાર પણ ડાઉટફુલ

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન પંજાબનો યુઝવેન્દ્ર ચહલ મુંબઈના રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.

ધરમશાલામાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૫૮મી મૅચ રમાશે. પાંચ વખતનું ચૅમ્પિયન મુંબઈ પ્લે-ઑફની રેસમાંથી ઑલરેડી આઉટ થઈ ગયું છે, જ્યારે પંજાબ મજબૂત શરૂઆત બાદ ટૉપ-ટૂમાં કન્ફર્મ મનાતું હતું પણ ત્યાર બાદ સતત ૪ હાર  સાથે હવે તેમનું પ્લે-ઑફનું સ્થાન પણ ખતરામાં આવી ગયું છે. પંજાબે એની આજની સહિત બાકીની ત્રણમાંથી બે મૅચમાં જીતવું જરૂરી છે. પંજાબની આ ત્રણ મૅચમાં છેલ્લા ક્રમાંકની બે ટીમો મુંબઈ અને લખનઉ ઉપરાંત ગઈ સીઝનની ચૅમ્પિયન બૅન્ગલોર છે. આથી પંજાબ પ્લે-ઑફ માટે મુંબઈ અને લખનઉને ટાર્ગેટ બનાવશે, પણ જો આજે પણ હારની હારમાળા ન અટકી તો પછી પંજાબ માટે રાહ થોડી મુશ્કેલ બની જશે. 

૧૦થી વધુ લીગ મૅચ બાકી હોય અને મુંબઈની સફર પૂરી થઈ ગઈ હોય એવું કદાચ પહેલી જ વાર જોવા મળ્યું હશે. આથી આ નામોશીને થોડીક ઓછી કરવા મુંબઈ હવે બાકીની ત્રણેય મૅચ (આજે પંજાબ, બાદ કલકત્તા અને રાજસ્થાન) જીતીને શાનથી વિદાય લેવા કોઈ કસર બાકી નહીં રાખે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૫

મુંબઈની જીત

૧૭

પંજાબની જીત

૧૮

વધુ 1 હાફ સેન્ચુરીની સાથે રોહિત શર્મા IPLમાં હાફ સેન્ચુરીની હાફ સેન્ચુરી પૂરી કરી લેશે. આવી કમાલ કરનાર તે ચોથો ખેલાડી બની જશે.

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી


પ્રૅક્ટિસ વખતે પંજાબનો હેડ કોચ રિકી પૉન્ટિંગ.

માઇલસ્ટોન મીટર

T20 ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કરવા શ્રેયસ અય્યરને ૩૦ રનની જરૂર છે.

T20 ક્રિકેટમાં ૭૫૦૦ રન પૂરા કરવા માર્કસ સ્ટૉઇનિસને ૩૪ રનની જરૂર છે.

શ્રેયસ ઐયરને IPLમાં ૩૫૦ ફોર માટે ૯ ફોરની જરૂર છે.

રાયન રિકલ્ટનને T20 ક્રિકેટમાં ૩૦૦ સિક્સર પૂરી કરવા પાંચ સિક્સરની અને ૪૦૦ ફોરના આંકડા માટે માત્ર બે ફોરની જરૂર છે.

T20 ક્રિકેટમાં ૩૫૦ વિકેટ પૂરી કરવા જસપ્રીત બુમરાહ માત્ર બે વિકેટ દૂર છે.

હાર્દિક ગેરહાજર, સૂર્યકુમાર ડાઉટફુલ

ઇન્જરી, અફવાઓ, પરાજયથી પરેશાન હાર્દિક પંડ્યા આજે પણ પંજાબ સામે નથી રમવાનો. તે સતત ત્રીજી અને સીઝનની ચોથી મૅચ ગુમાવશે. સતત પરાજય બાદ આજકાલ સોશ્યલ મીડિયામાં તેની હકાલપટ્ટીના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને સોશ્યલ મીડિયામાં અનફૉલો કરી દીધી હતી અને થોડી જ વારમાં ફરી ફૉલો પણ કરી દીધી હતી. અમુક ભૂતપૂર્વ ક્રિકેટરો હાર્દિકને કૅપ્ટન તરીકે હટાવીને જસપ્રીત બુમરાહ કે અન્ય કોઈને જવાબદારી સોપવાની પણ માગણી કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળતો સૂર્યકુમાર યાદવ અમુક કારણોસર રાયપુરથી મુંબઈ પાછો આવી ગયો હતો. તે આજે ટીમ સાથે પાછો જોડાય એવી શક્યતા છે, પણ જો એવું ન બન્યું તો ટીમની જવાબદારી જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા કે અન્ય કોને સોપાય છે એ જોવું રહ્યું. પંજાબ સામે હારની હૅટ-ટ્રિક ગઈ સીઝનમાં પંજાબ સામે બન્ને લીગ મૅચ અને આ સીઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ લીગ મૅચ એમ ત્રણેયમાં મુંબઈની હાર થઈ છે. આથી પંજાબ આજે જીતના ચોગ્ગા સાથે સતત ૪ મૅચની હારને અટકાવવા ઉત્સુક હશે. 

punjab kings mumbai indians shreyas iyer IPL 2026 sports sports news