T20 ક્રિકેટમાં ૧૦ વખત ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કરનાર પહેલી ટીમ બની પંજાબ કિંગ્સ

12 April, 2026 08:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદે આપેલા ૨૨૦ રનના ટાર્ગેટને પંજાબે ૧૮.૫ ઓવરમાં ૨૨૩ રન કરીને ચેઝ કર્યો, ૬ વિકેટની જીતમાં કૅપ્ટન શ્રેયસ ઐયર ચમક્યો

પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર ૬૯ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

મુલ્લાનપુરમાં ગઈ કાલે બપોરે IPL 2026ની સત્તરમી મૅચમાં પંજાબ કિંગ્સે ૬ વિકેટે સનરાઇઝર્સ હૈદરાબાદને માત આપી હતી. ઓપનર અભિષેક શર્માના ૭૪ રનના આધારે હૈદરાબાદે ૬ વિકેટ ગુમાવીને ૨૧૯ રન કર્યા હતા. જવાબમાં પંજાબે ઓપનર્સની ફિફ્ટી અને કૅપ્ટન શ્રેયસ ઐયરના ૬૯ રનની મદદથી ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટે ૨૨૩ રન કરીને જીત નોંધાવી હતી. હૈદરાબાદ સામે છેલ્લી ૪ મૅચથી હારવાનો સિલસિલો પણ પંજાબે અટકાવ્યો હતો. વર્તમાન સીઝનની ૪ મૅચમાં હૈદરાબાદની આ ત્રીજી હાર છે, જ્યારે ૪ મૅચોમાં પંજાબની આ ત્રીજી જીત છે. એક મૅચ નો-રિઝલ્ટ રહી હોવાથી આ ટીમ હજી પણ ટેબલ-ટૉપર રાજસ્થાન રૉયલ્સની જેમ અજેય છે. T20 ક્રિકેટમાં ૧૦ વખત ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કરનાર પંજાબ કિંગ્સ પહેલી ટીમ બની છે. એના પછી ઑસ્ટ્રેલિયાએ ૭ વખત આ કમાલ કરી છે. મુંબઈ ઇન્ડિયન્સે ૬ વખત આ રેકૉર્ડ કર્યો છે.

3 વખત T20 પાવરપ્લેમાં ૧૦૦ રનનો આંકડો પાર કરનાર એકમાત્ર ટીમ છે હૈદરાબાદ. 

પાવરપ્લેમાં બન્ને ટીમોએ વિકેટ ગુમાવ્યા વગર ૧૯૮ રન ઝૂડી દીધા


પ્રિયાંશ આર્યએ પાંચ ફોર અને પાંચ સિક્સરના આધારે ૨૦ બૉલમાં ૫૭ રન કર્યા હતા.

T20 ક્રિકેટમાં પહેલી ૬ ઓવર એટલે કે પાવરપ્લે દરમ્યાન બન્ને ટીમોએ વિકેટ ગુમાવ્યા બાદ સૌથી વધુ સ્કોર કર્યો હોય એવી ઘટના આ મૅચમાં બની હતી. ગઈ કાલે હૈદરાબાદે ૧૧૧ અને પંજાબે ૯૩ રન એમ પાવરપ્લેમાં ટોટલ ૧૯૮ રન કર્યા હતા. અગાઉ આ રેકૉર્ડ ૨૦૧૮ની ન્યુ ઝીલૅન્ડ-ઑસ્ટ્રેલિયાની મૅચને નામે હતો. બન્ને ટીમે પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વગર ૧૫૮ રન કર્યા હતા. 

પંજાબ કિંગ્સના ક્રિકેટર્સ કાળી પટ્ટી બાંધીને કેમ રમ્યા?

પંજાબ કિંગ્સના પ્લેયર્સ ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની IPL 2026ની મૅચમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને રમ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં બોટ-અકસ્માતના પીડિતો પ્રત્યે શ્રદ્ધાંજલિ માટે આ રીતે રમ્યા હતા. શુક્રવારે વૃંદાવનમાં યમુનામાં પંજાબના શ્રદ્ધાળુઓને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મોત થયાં હતાં. લખનઉ સુપર જાયન્ટ્સે પણ દુર્ઘટના બાબતે શોક-સંદેશ શૅર કર્યો હતો. 


૧૮ બૉલની ફિફ્ટી બાદ ૨૮ બૉલમાં પાંચ ફોર અને ૮ સિક્સરની મદદથી ૭૪ રન ફટકાર્યા બાદ અભિષેક શર્માએ ફૉર્મમાં વાપસી કરી હતી.

હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ ૨૬૪.૨૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને શાનદાર ફૉર્મમાં વાપસી કરી હતી. તેણે ૧૮ બૉલની ફિફ્ટી બાદ ૨૮ બૉલમાં પાંચ ફોર અને ૮ સિક્સરની મદદથી ૭૪ રન ફટકાર્યા હતા. સાથી ઓપનર ટ્રૅવિસ હેડે ૨૩ બૉલમાં ૩૮ રન અને મિડલ ઑર્ડર બૅટર હેન્રિક ક્લાસેને ૩૩ બૉલમાં ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે મિડિયમ પેસ બોલર તરીકે શશાંક સિંહે ૩ ઓવરમાં ૨૦ રન આપીને બન્ને ઓપનર્સની વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. ૬ વાઇડ બૉલ ફેંકનાર અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૫૦ રન આપીને બે સફળતાઓ મેળવી હતી. રન-ચેઝ દરમ્યાન યંગ ઓપનર પ્રિયાંશ આર્યએ ૨૮૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને પાંચ સિક્સરના આધારે ૨૦ બૉલમાં ૫૭ રન કર્યા હતા. અન્ય ઓપનર પ્રભસિમરન સિંહે ૪ ફોર અને ૪ સિક્સરની મદદથી પચીસ બૉલમાં ૫૧ રન કર્યા હતા. ચોથા ક્રમે રમી રહેલા કૅપ્ટન શ્રેયસ ઐયરે પાંચ ફોર અને પાંચ સિક્સર ફટકારીને ૩૩ બૉલમાં અણનમ ૬૯ રન ઝૂડી દીધા હતા. હૈદરાબાદના ૭ બોલિંગ-વિકલ્પોમાંથી સ્પિનર શિવાંગ કુમારને ૩ વિકેટ અને હર્ષ દુબેને ૧ વિકેટ મળી હતી. 

IPL 2026 punjab kings sunrisers hyderabad abhishek sharma shreyas iyer cricket news sports news sports