IPL 2026 ફાઇનલ રમાશે અમદાવાદમાં; BCCIએ જાહેર કર્યું પ્લેઓફનું શેડ્યુલ – આ શહેરોમાં રમાશે મેચ

06 May, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2026 Playoff venues announced: બીસીસીઆઈએ આઇપીએલ ૨૦૨૬ના શેડ્યુલની કરી જાહેરાત, ફાઈનલ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ક્વોલિફાયર 1 મુકાબલો ધર્મશાલામાં યોજાશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 મેચોની યજમાની ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) કરશે.

ફાઇલ તસવીર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premiere League)ની ૧૯મી સિઝન આઇપીએલ ૨૦૨૬ (IPL 2026) હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે અને ધીમે-ધીમે પ્લેઓફમાં પહોંચનારી ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) દ્વારા આ સીઝનની ફાઈનલ મેચ સહિત તમામ નોકઆઉટ મુકાબલા કયા શહેરો અને સ્ટેડિયમમાં રમાશે તેની જાહેરાત (IPL 2026 Playoff venues announced) કરી દેવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ માટે પ્લેઓફના શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, આઈપીએલની આ ૧૯મી સીઝનનો ભવ્ય ફાઈનલ મુકાબલો ૩૧ મેના રોજ અમદાવાદ (Ahmedabad)ના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે.

આ જાહેરાત સાથે જ આઇપીએલ ૨૦૨૬ ટુર્નામેન્ટના અંતિમ તબક્કાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ૧૦ ટીમો અને ૭૪ મેચો ધરાવતી આ સીઝનનો લીગ સ્ટેજ ૨૪ મેના રોજ પૂર્ણ થશે, જે બાદ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી ચાર ટીમો પ્લેઓફમાં પ્રવેશ કરશે.

આ સ્ટેડિયમમાં રમાશે પ્લેઓફ

વ્યૂહાત્મક આયોજન અને ચાહકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, પ્લેઓફના મુકાબલા વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. શિડ્યુલ મુજબ, લીગ સ્ટેજની ટોચની બે ટીમો વચ્ચેનો ક્વોલિફાયર ૧ મુકાબલો ધર્મશાલા (Dharamshala)માં રમાશે. ત્યારબાદ, એલિમિનેટર અને ક્વોલિફાયર ૨ ની મેચો ન્યુ ચંદીગઢ - મુલ્લાનપુર (New Chandigarh - Mullanpur) ખાતે યોજવામાં આવશે.

અમદાવાદમાં રમાશે ફાઇનલ

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મહત્વની મેચો માટેના મુખ્ય કેન્દ્ર તરીકે પોતાની ઓળખ જાળવી રાખશે. આ શહેર અવારનવાર આઈપીએલની પ્લેઓફ મેચોનું યજમાન રહ્યું છે અને હવે વધુ એક વખત ફાઈનલની યજમાની મેળવીને તેણે ભારતીય ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં પોતાનું વિશેષ મહત્વ સાબિત કર્યું છે.

નોંધનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગની પરંપરા મુજબ, સામાન્ય રીતે પાછલા વર્ષની વિજેતા ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સીઝનની ફાઈનલ મેચ યોજવામાં આવતી હોય છે. જોકે, વર્ષ ૨૦૨૬ની સીઝનમાં આ પરંપરા જળવાશે નહીં. આઈપીએલ ૨૦૨૫માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એ પંજાબને 6 રનથી હરાવીને પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું, પરંતુ તેમ છતાં 2026ની ફાઈનલ તેમના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે નહીં. સામાન્ય રીતે ડિફેન્ડિંગ ચેમ્પિયનને મળતો આ હોમ એડવાન્ટેજ આ વખતે આરસીબીને મળશે નહીં. આ ફેરફાર પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ મોટા સ્ટેડિયમની ક્ષમતા અને લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને અમદાવાદની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

IPL 2026 ફાઇનલ તારીખ: પ્લેઓફ અને ફાઇનલ મેચ ક્યારે છે?

IPL 2026 ક્વોલિફાયર ૧: 26 મે, 2026, મંગળવાર, ધર્મશાલા

IPL 2026 એલિમિનેટર: 27 મે, 2026, બુધવાર, ચંદીગઢ

IPL 2026 ક્વોલિફાયર ૨: 29 મે, 2026, શુક્રવાર, ચંદીગઢ

IPL 2026 ફાઇનલ મેચ: 31 મે, 2026, રવિવાર, અમદાવાદ

IPL 2026 indian premier league board of control for cricket in india narendra modi stadium ahmedabad dharamsala maharaja yadavindra singh pca stadium new chandigarh hpca cricket stadium cricket news sports sports news