01 May, 2026 02:26 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ અને મિચલ સ્ટાર્ક
જયપુરમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૪૩મી મૅચ રમાશે. પૉઇન્ટ-ટેબલમાં ઉપરથી ચોથા નંબરના રાજસ્થાન રૉયલ્સની ટક્કર નીચેથી ચોથા સ્થાને સ્ટ્રગલ કરી રહેલી દિલ્હી કૅપિટલ્સ સામે થવાની છે. દિલ્હી એની છેલ્લી મૅચમાં બૅન્ગલોર સામે પાવરપ્લેમાં જ ૬ વિકેટ ગુમાવ્યા બાદ આ સીઝનના લોએસ્ટ ૭૫ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું. ટીમના આત્મવિશ્વાસને તોડી નાખનારી આ મૅચને ભૂલીને આજે કમબૅક કરવા તત્પર દિલ્હી સામે પડકાર છે હાઈ ફ્લાઇંગ રાજસ્થાનનો. રાજસ્થાન ઓપનર જોડી યશસ્વી જાયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની આક્રમક શરૂઆતના દમ પર અડધી બાજી જીતતું આવ્યું છે. આ સીઝનમાં અત્યાર સુધી આ જોડી ૫૦.૧૧ની ઍવરેજથી ૪૫૧ રન બનાવી ચૂકી છે. જોકે છેલ્લી મૅચમાં તેમણે મિડલ-ઑર્ડર બૅટરો ડોનોવન ફરેરા અને શુભમ દુબેની લડાયક ઇનિંગ્સને જોરે અપરાજિત પંજાબ કિંગ્સને રોકીને કમાલ કરી દીધી હતી. આવી જીતના જોશમાં આજે રાજસ્થાનને રોકવું હતાશ દિલ્હી માટે મુશ્કેલ હશે, પણ તેમના માટે ગુડ ન્યુઝ એ છે કે ઑસ્ટ્રેલિયન પૅસ બોલર મિચલ સ્ટાર્ક મેદાનમાં ઊતરવા પહોંચી ગયો છે. સ્ટાર્ક જો જાયસવાલ અને સૂર્યવંશીને નાથવા સફળ થશે તો દિલ્હી માટે કમબૅક કરવું આસાન થઈ જશે. ઇન્જર્ડ લુન્ગી ઍન્ગિડી હજુ ઉપલબ્ધ ન હોવાથી દિલ્હીની ટીમમાં આજે સ્ટાર્ક કાઇલ જૅમિસન અથવા દુશ્મન્તા ચમીરાનું સ્થાન લેશે.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૩૦ |
|
રાજસ્થાનની જીત |
૧૫ |
|
દિલ્હીની જીત |
૧૫ |
દિગ્ગજ બોલરોને પહેલા જ બૉલે સિક્સર ફટકારીને સ્વાગત કરવા માટે જાણીતો વૈભવ સૂર્યવંશી આજે મિચલ સ્ટાર્ક સામે પ્રથમ વાર રમશે. જો વૈભવે એ જ પરંપરા જાણવી રાખી તો T20 ક્રિકેટમાં તેની ૧૦૦મી સિક્સર લેજન્ડ સ્ટાર્કને ફટકારીને કરશે. આ સાથે એ T20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૦૦ સિક્સરનો કાયરન પોલાર્ડનો રેકૉર્ડ પણ તોડી નાખશે.