18 May, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPLમાં પચાસ વાર ફિફ્ટી પ્લસનો સ્કોર કરનાર પાંચમો બૅટર બન્યો રાહુલ અને દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ ૩૪ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.
અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈ કાલે સાંજની મૅચમાં દિલ્હી કૅપિટલ્સે પાંચ વિકેટના વિજય સાથે સીઝનમાં સતત બીજી વખત રાજસ્થાન રૉયલ્સને માત આપી હતી. હૅટ-ટ્રિક હારને કારણે ૧૨ મૅચમાં ૧૨ પૉઇન્ટ ધરાવતા રાજસ્થાનને પ્લે-ઑફની રેસમાં મોટું નુકસાન થયું છે. રાજસ્થાને ૮ વિકેટ ગુમાવીને ૧૯૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને જવાબમાં દિલ્હીએ ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૭ રન કરીને પ્લે-ઑફની પાતળી આશા જીવંત રાખી છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર રાજસ્થાન માટે ત્રણ બૅટર્સે તોફાની બૅટિંગથી મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ ૨૧ બૉલમાં ૪૬ રન, ધ્રુવ જુરેલે ૪૦ બૉલમાં ૫૩ રન અને રિયાન પરાગે ૨૬ બૉલમાં ૫૧ રન કર્યા હતા. દિલ્હી માટે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૪ ઓવરમાં ૪૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. માધવ તિવારી અને લુન્ગી ઍન્ગિડીએ બે-બે વિકેટ લીધી હતી. રાજસ્થાને પોતાની છેલ્લી ૬ વિકેટ ૩૦ રનની અંદર ગુમાવી દીધી હોવાથી ૨૦૦ રનનો આંકડો પાર થઈ શક્યો નહોતો. રન-ચેઝ દરમ્યાન દિલ્હીના ઓપનર્સે ૧૦૫ રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. અભિષેક પોરેલે ૩૧ બૉલમાં ૫૧ રન કર્યા હતા. કે. એલ. રાહુલે ૪૨ બૉલમાં એક ફોર અને ત્રણ સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા. કૅપ્ટન અક્ષર પટેલે ૧૮ બૉલમાં અણનમ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન માટે જોફ્રા આર્ચર અને બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.
વૈભવ સૂર્યવંશીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ૨૧ બૉલમાં પાંચ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૪૬ રન કર્યા હતા. વર્તમાન સીઝનમાં ૪૩ સિક્સ ફટકારીને ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી એક સીઝનમાં હાઇએસ્ટ સિક્સર ફટકારનારો ભારતીય બન્યો છે. અગાઉ અભિષેક શર્માએ ૨૦૨૪માં રેકૉર્ડ ૪૨ સિક્સ ફટકારી હતી. એક સીઝનમાં સૌથી વધુ ૫૯ સિક્સ ફટકારીને ક્રિસ ગેઇલ આ લિસ્ટમાં ટૉપ પર છે. તેણે ૨૦૧૨માં બૅન્ગલોર તરફથી રમીને આ રેકૉર્ડ કર્યો હતો. વર્તમાન સીઝનની ૧૨ મૅચમાં વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સ માટે ૪૩ સિક્સની સાથે ૪૩ ફોર પણ ફટકારી છે અને ૪૦.૫૦ની ઍવરેજ અને ૨૩૪.૭૮ના સ્ટ્રાઇક-રેટથી ૪૮૬ રન કર્યા છે. ગઈ કાલે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક અને લુન્ગી ઍન્ગિડી સામે સરળતાથી સિક્સ-ફોર ફટકારીને છવાઈ ગયો હતો. ૨૦૨૫માં તેણે ૭ મૅચમાં ૧૮ ફોર અને ૨૪ સિક્સ ફટકારી હતી.