હૈદરાબાદના ગઢમાં લખનઉને મળી સીઝનની પહેલી જીત

06 April, 2026 02:29 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

નીતીશ કુમાર રેડ્ડીએ ૩૩ બૉલમાં ૩ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૫૬ રન કર્યા હતા. બન્નેએ હૈદરાબાદ માટે પાંચમા કે એથી ઓછા ક્રમ માટે હાઇએસ્ટ ૧૧૬ રનની ભાગીદારી કરી હતી.

વિચિત્ર શૉટ રમીને નિયંત્રણ ગુમાવી રહેલા રિષભ પંતે ૬૮ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સે પાંચ વિકેટે બાજી મારીને સીઝનની પોતાની બીજી મૅચમાં પહેલી જીત નોંધાવી હતી. ખરાબ શરૂઆત બાદ હૈદરાબાદે હેન્રિક ક્લાસેન અને નીતીશ કુમાર રેડ્ડીની ફિફ્ટીના આધારે ૯ વિકેટ ગુમાવીને ૧૫૬ રન કર્યા હતા. જવાબમાં લખનઉએ કૅપ્ટન રિષભ પંતની ધમાકેદાર ઇનિંગ્સના આધારે ૧૯.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૦ રન કરીને જીત મેળવી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર હૈદરાબાદની ટીમને લખનઉના બોલિંગ-યુનિટના તરખાટનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે ૭.૧ ઓવરમાં ૨૬ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમા ક્રમે હેન્રિક ક્લાસેન અને છઠ્ઠા ક્રમે નીતીશ કુમાર રેડ્ડીએ રમીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. હેન્રિક ક્લાસેને પાંચ ફોર અને બે સિક્સરના આધારે ૪૧  બૉલમાં ૬૨ રન કર્યા હતા. નીતીશ કુમાર રેડ્ડીએ ૩૩ બૉલમાં ૩ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૫૬ રન કર્યા હતા. બન્નેએ હૈદરાબાદ માટે પાંચમા કે એથી ઓછા ક્રમ માટે હાઇએસ્ટ ૧૧૬ રનની ભાગીદારી કરી હતી.

6: એક વર્ષમાં T20 ક્રિકેટમાં આટલી વખત ઝીરો પર આઉટ થનાર ત્રીજો ભારતીય બન્યો અભિષેક શર્મા. અગાઉ રોહિત શર્મા (૨૦૧૮) અને સંજુ સૅમસન (૨૦૨૪) સાથે આવું થયું છે. 

૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને બે વિકેટ લેનાર લખનઉનો પેસ બોલર મોહમ્મદ શમી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે ૧૬ ડૉટબૉલ ફેંક્યા હતા. પેસ બોલર્સ આવેશ ખાન અને પ્રિન્સ યાદવે પણ ૨-૨ વિકેટ ઝડપી હતી. સ્પિનર્સ દિગ્વેશ રાઠી અને મણિમારન સિદ્ધાર્થને ૧-૧  સફળતા મળી હતી. રન-ચેઝ દરમ્યાન મિચલ માર્શ સાથે એઇડન માર્કરમ ઓપનિંગ માટે આવ્યો હતો. એઇડન માર્કરમે ૨૭ બૉલમાં ૬ ફોર અને બે સિક્સરની મદદથી ૪૫ રન કર્યા હતા, જ્યારે મિચલ માર્શે ૧૨ બૉલમાં બે ફોરના આધારે ૧૪ રન કર્યા હતા. પહેલી મૅચમાં ઓપનિંગ કરનાર રિષભ પંત ત્રીજા ક્રમે ઊતરીને મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૫૦ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૬૮ રન કર્યા હતા. હૈદરાબાદ માટે સ્પિનર હર્ષ દુબેએ ૪ ઓવરમાં ૧૮ રન આપીને બે વિકેટ લીધી હતી. હૈદરાબાદ સામેની ૭ મૅચમાં લખનઉની આ પાંચમી જીત છે. હૈદરાબાદના ગઢ રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં લખનઉએ આ હરીફ ટીમને ૪માંથી ૩ મૅચમાં માત આપી દીધી છે. 

IPL 2026 lucknow super giants sunrisers hyderabad Rishabh Pant sports news sports cricket news