13 April, 2026 02:48 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ઇશાન કિશન અને રિયાન પરાગ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે IPL 2026ની એકવીસમી મૅચ રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર આજે ટેબલ-ટૉપર અને અજેય ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે થશે. રિયાન પરાગની આગેવાનીમાં રાજસ્થાનની ટીમ સીઝનની ચારેય મૅચ જીત્યું છે. કૅપ્ટન ઈશાન કિશન અને વાઇસ-કૅપ્ટન અભિષેક શર્માના નેતૃત્વમાં હૈદરાબાદ ચારમાંથી માત્ર એક મૅચ જીત્યું છે. સીઝનની ઓપનિંગ મૅચ સહિત અંતિમ બન્ને મૅચમાં હૈદરાબાદને હાર મળી છે. આજે રાજસ્થાનની યંગ અને ધુરંધર ઓપનિંગ જોડી યશસ્વી જાયસવાલ અને વૈભવ સૂર્યવંશી હૈદરાબાદના સંઘર્ષમય બોલિંગ-યુનિટના હાલ બેહાલ કરી શકે છે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૨૧ |
|
હૈદરાબાદની જીત |
૧૨ |
|
રાજસ્થાનની જીત |
૯ |
લય પકડી રહેલા હૈદરાબાદની બૅટિંગ લાઇન-અપને જોફ્રા આર્ચર સહિતના રાજસ્થાનના મજબૂત બોલિંગ-યુનિટના પડકારનો સામનો કરવો પડશે. હૈદરાબાદની ટીમ રાજસ્થાન સામે છેલ્લી ૪ મૅચથી અજેય છે એટલે આજે તેમની પાસે જીતનો પંજો મારવાની તક છે. રાજસ્થાને આ હરીફ ટીમ સામે છેલ્લે ૨૦૨૩માં હૈદરાબાદના સ્ટેડિયમમાં જ જીત મેળવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રાજસ્થાનની ટીમ નવમાંથી ૩ મૅચ જ જીતી છે અને ૬ મૅચમાં હાર મળી છે. હૈદરાબાદ સામે આ મેદાન પર ૬ મૅચમાંથી રાજસ્થાનને માત્ર એક જીત ૨૦૨૩માં મળી હતી. હૈદરાબાદને આ મેદાન પર ૬૪ મૅચમાંથી અંતિમ ૩ મૅચ સહિત પચીસ મૅચમાં હાર મળી છે. ૩૮ મૅચમાં જીત મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.