23 October, 2025 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈશાન કિશન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની આગામી સિઝન આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) ટ્રેડ વિન્ડોએ પહેલાથી જ ઉત્તેજનાનો માહોલ બનાવી દીધો છે, જેમાં ભારતીય ખેલાડી ઈશાન કિશન (Ishan Kishan) નું નામ સૌથી લોકપ્રિય નામોમાંનું એક તરીકે ઉભરી રહ્યું છે. અહેવાલો સૂચવે છે કે, સ્ટાર વિકેટકીપર-બેટર મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) માં પાછા ફરવા માટે તૈયાર છે, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) જેવી ફ્રેન્ચાઇઝીઓએ પણ રસ દાખવ્યો છે અને મીની-ઓક્શન (IPL 2026 Mini Auction) પહેલા સંભવિત ટ્રેડ ડીલ માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો સંપર્ક કર્યો છે.
આઈપીએલ ૨૦૨૫ મેગા ઓક્શન (IPL 2025 mega auction) માં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશનને ૧૧.૨૫ કરોડમાં ખરીદ્યો હતો. હૈદરાબાદ પહેલા, કિશન મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો. હવે, એવા અહેવાલો છે કે મુંબઈ ફરી એકવાર ઈશાન કિશનને તેમની ટીમમાં સામેલ કરી શકે છે.
અહેવાલો મુજબ, IPL 2026 મીની ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી કેટલાક ખેલાડીઓનું ટ્રેડિંગ કરી શકે છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન ચર્ચાનો વિષય છે. તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી, મુંબઈ ઇન્ડિયન્સ, તેનામાં નોંધપાત્ર રસ દાખવી રહી છે. તેઓ તેને ફરી એકવાર પોતાની ટીમમાં ઉમેરવાનું વિચારી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ ઈશાન કિશન સાથે વાતચીત કરી રહી છે. જોકે, હજી સુધી કંઈ પુષ્ટિ થઈ નથી. માત્ર મુંબઇ ઈન્ડિયન્સ જ નહીં, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ પણ ઈશાન કિશનમાં રસ દાખવી રહ્યા છે. જોકે, મુંબઈ ઇન્ડિયન્સ આ રેસમાં આગળ હોય તેવું લાગે છે. ઈશાન કિશન પણ ઘણી વખત મુંબઈ ઈન્ડિયન્સ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે.
હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે, મુંબઈ ઈન્ડિયન્સ પાસે પહેલેથી જ વિકેટકીપર-બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકા (South Africa) ના રાયન રિકેલ્ટન (Ryan Rickelton) એ આઈપીએલ (IPL 2025) માં મુંબઈ ઇન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું. જોકે, ઈશાન કિશન MI ને વધુ ફ્લેક્સિબલિટી આપે છે. કિશનની હાજરી મુંબઈના વિકેટકીપિંગ વિભાગને આવરી લેશે અને તેમને બીજા વિદેશી ખેલાડીને રમવાનો વિકલ્પ આપશે. એટલે, એવી શક્યતા છે કે રિકેલટનને પડતો મૂકવામાં આવે.
વધુમાં, રોહિત શર્મા (Rohit Sharma) ની ઉંમરને ધ્યાનમાં રાખીને, મુંબઈને એક ભારતીય ઓપનર તરીકે વિચારવાની જરૂર પડશે. રોહિત શર્મા ૩૮ વર્ષનો છે અને IPLમાં તેની પાસે ફક્ત થોડા વર્ષો બાકી છે. આવી સ્થિતિમાં, ઈશાન કિશન ભવિષ્યમાં ભારતીય ઓપનર તરીકે તેનું સ્થાન લઈ શકે છે. મુંબઈ હંમેશા ભવિષ્ય તરફ નજર રાખે છે અને કિશન એક એવો ખેલાડી છે જેમાં મુંબઈએ પૈસા અને સમય બંનેનું રોકાણ કર્યું છે. એટલે મુંબઈ ઇન્ડિયન્સ ફરી ઈશાન કિશનને ટીમમાં લેશે તેવું અહેવાલો સુચવે છે.
અહેવાલો મુજબ, IPL ની હરાજી ૧૫ ડિસેમ્બરની આસપાસ થવાની શક્યતા છે. જ્યારે ખેલાડીઓને રિટેન્શન આપવાની અંતિમ તારીખ ૧૫ નવેમ્બર છે.