ફોર્થ અમ્પાયર સામે અપશબ્દો બોલનાર નીતીશ રાણાને પચીસ ટકા મૅચ-ફીના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો

13 April, 2026 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતો, સ્ટબ્સનાં ગ્લવ્ઝના મામલે રોષ વ્યક્ત કર્યો હતો

ફોર્થ અમ્પાયર સામે અપશબ્દો બોલનાર નીતીશ રાણાને પચીસ ટકા મૅચ-ફીના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો

ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચ દરમ્યાન દિલ્હી કૅપિટલ્સના બૅટર ટ્રિસ્ટન સ્ટબ્સને ભીનાં થયેલાં ગ્લવ્ઝ બદલવા દેવામાં નહોતાં આવ્યાં. આ મામલે ડગઆઉટ પાસે દિલ્હી કૅપિટલ્સના બૅટર નીતીશ રાણાએ ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર વાતચીત કરી હતી. આ વાતચીતમાં અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ પણ નહોતો એવા આ પ્લેયરને મોટો દંડ થયો હતો. IPL પ્લેયર કોડ ઑફ કન્ડક્ટના લેવલ ૧ના ઉલ્લંઘન બદલ મૅચ-ફીના પચીસ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે. તેણે IPL કોડ ઑફ કન્ડક્ટની કલમ ૨.૩નો ભંગ કર્યો છે જે મૅચ દરમ્યાન મોટેથી અને અપશબ્દોનો ઉપયોગ કરવા સંબંધિત છે. ઓગણીસમી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સ કૅચઆઉટ થયો પછી આ ઘટના બની હતી.

ટ્રિસ્ટન સ્ટબ્સે ડગઆઉટ પાસે ગ્લવ્ઝ, બૅટ છોડ્યાં અને ડ્રેસિંગ રૂમમાં હેલ્મેટ પછાડી

ચેન્નઈના ૨૧૩ રનના ટાર્ગેટ સામે દિલ્હીના છઠ્ઠા ક્રમે રમી રહેલા બૅટર ટ્રિસ્ટન સ્ટબ્સે ૩૮ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સરના આધારે ૬૦ રન કર્યા હતા. જોકે ભીનાં ગ્લવ્ઝને કારણે તે બરાબરા શૉટ ન રમી શક્યો અને જેમી ઓવરટનની ઓવરમાં કૅચઆઉટ થયો હતો. ડેવિડ મિલર સહિતના દિલ્હીના પ્લેયર્સ ગ્લવ્ઝ ન બદલવા દેવા મામલે રોષમાં હતા. ડ્રેસિંગ રૂમમાં પાસે આવતા સમયે ટ્રિસ્ટન સ્ટબ્સે નીતીશ રાણા પાસે ગ્લવ્ઝ છોડી દીધાં હતાં. ડગઆઉટ પાસે બૅટ છોડી દીધી હતી અને ડ્રેસિંગ રૂમમાં જઈને હેલ્મેટ પછાડી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. સતત બે જીત બાદ દિલ્હીને છેલ્લી બે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2026 nitish rana delhi capitals chennai super kings cricket news sports news sports