19 December, 2025 09:14 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અધુ ધાબીમાં મંગળવારે IPL 2026ના મિની ઑક્શનમાં ક્રિકેટના મેદાન જેવી રસાકસી વચ્ચે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ગુજરાતીઓ પોતાની સફર દરમ્યાન ઘરેથી થેપલાં પૅક કરીને લઈ જવા માટે જાણીતા છે. એવાં જ દૃશ્યો મિની ઑક્શનમાં ગુજરાત ટાઇટન્સના ટેબલ પર જોવા મળ્યાં હતાં. ઑક્શન વચ્ચેના બ્રેક દરમ્યાન કોચિંગ-સ્ટાફના આશિષ નેહરા અને પાર્થિવ પટેલ સહિત મૅનેજમેન્ટના સભ્યો થેપલાપાર્ટી કરતા જોવા મળ્યા હતા. મિની ઑક્શનમાં પાંચ પ્લેયર્સને ખરીદવા ગુજરાતે ૧૨.૯૦ કરોડના બજેટમાંથી ૧૦.૯૫ કરોડનો ખર્ચ કર્યો હતો.
IPL 2026ના મિની ઑક્શનમાં દિલ્હી કૅપિટલ્સે યંગ બૅટર પૃથ્વી શૉને ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસમાં ખરીદ્યો હતો. ઑક્શન સમાપ્ત થવાના બે દિવસ બાદ તેણે ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી જેમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરનો સમાવેશ હતો. છેલ્લી IPL સીઝનમાં તેને વિવાદિત ઘટનાઓમાં સંડોવણીને કારણે IPL ડીલ નહોતી મળી શકી. પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ થતાં તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તૂટેલા દિલનું ઇમોજી મૂક્યું હતું. જોકે તેની જૂની ટીમે અંતિમ રાઉન્ડમાં ખરીદીને તેને બીજી તક આપી હતી. ત્યારે તેણે જૂની સ્ટોરી હટાવીને અક્ષર પટેલ સાથેનો જૂનો ફોટો શૅર કરીને સ્ટોરીમાં બૅક ટુ ફૅમિલી લખ્યું હતું. ૨૦૧૮થી ૨૦૨૪ સુધી દિલ્હી માટે ૭૯ મૅચ રમનાર પૃથ્વી શૉ આ ટુર્નામેન્ટમાં ૧૪ ફિફ્ટીની મદદથી ૧૮૯૨ રન ફટકારી ચૂક્યો છે. દિલ્હીના મૅનેજમેન્ટે કહ્યું હતું કે ‘પૃથ્વીએ ભૂતકાળમાં અમારા માટે સારું પ્રદર્શન કર્યું હતું. દરેક પ્લેયર ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે. આ તેને માટે મજબૂત કમબૅક કરવાની સારી તક છે. અમે તેને ખરીદીને પૃથ્વી માટે બીજો ચાન્સ ગણી રહ્યા છીએ.’
IPL 2026ના મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનને ૨૫.૨૦ કરોડ રૂપિયાની ઊંચી બોલીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો. ૨૬ વર્ષના આ પ્લેયરને ખરીદવા માટે કલકત્તા સિવાય મુંબઈ, રાજસ્થાન, ચેન્નઈ બિડિંગ-વૉરમાં જોડાયાં હતાં. રિપોર્ટ અનુસાર સૌથી મોંઘા વિદેશી પ્લેયર કૅમરન ગ્રીન પર બિડિંગ-વૉર દરમ્યાન ૧૧૩ જેટલી બોલી લાગી હતી જે IPL-ઑક્શનમાં સૌથી લાંબી બિડિંગ-વૉરનો હાઇએસ્ટ રેકૉર્ડ છે. છેલ્લા IPL-ઑક્શનમાં ૨૭ કરોડ રૂપિયાના રિષભ પંત પર હાઇએસ્ટ ૮૦ બોલી લાગી હતી.
ઑસ્ટ્રેલિયન વિકેટકીપર જોશ ઇંગ્લિસને IPL 2026ના મિની ઑક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા ૮.૬૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તે આગામી સીઝનમાં ઑલમોસ્ટ ૪ મૅચમાં જ ઉપલબ્ધ રહેશે એવી સ્પષ્ટતાને કારણે પંજાબ કિંગ્સે તેને રિલીઝ કર્યો હતો. ઘણા ફૅન્સ મર્યાદિત ઉપલબ્ધતા છતાં લખનઉની આટલી મોટી બોલી જોઈને મૂંઝવણમાં મુકાયા છે. જોકે સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબ કિંગ્સની ઓછી સૅલેરીથી બચવા આ વિકેટકીપર જૂઠાણાંની ગેમ રમ્યો છે. ગઈ સીઝનમાં તે પંજાબ કિંગ્સ માટે ૨.૬૦ કરોડ રૂપિયામાં રમ્યો હતો. તેણે પોતાની આ પહેલી જ સીઝનમાં ૧૧ મૅચમાં એક ફિફટીની મદદથી ૨૭૮ રન કર્યા હતા. પંજાબના હેડ કોચ રિકી પૉન્ટિંગે જાહેરમાં એમ પણ કહ્યું હતું કે આ વિકેટકીપરને રિલીઝ કરવાના નિર્ણયમાં તેની મર્યાદિત ઉપલબ્ધતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મળતી માહિતી પ્રમાણે જોશ ઇંગ્લિસે લખનઉના હેડ કોચ જસ્ટિન લૅન્ગરને ઑક્શન પહેલાં સંપૂર્ણ ઉપલબ્ધતાની પુષ્ટિ કરી દીધી છે. જોકે જોશ ઇંગ્લિસે આ દાવા પર હજી કોઈ સ્પષ્ટતા કરી નથી. લખનઉએ તેના પર ખર્ચ કરેલા પૈસાને ધ્યાનમાં રાખીને તે ચારથી વધુ મૅચ રમી શકશે કે નહીં એના પર સૌની નજર રહેશે.