હું હજી પણ કલકત્તા માટે રમીને ટીમને ‍‍વધુ ગૌરવ અપાવવા માગું છું

21 November, 2025 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિની ઑક્શન પહેલાં ટીમમાંથી રિલીઝ થયેલો વેન્કટેશ ઐયર કહે છે...

વેન્કટેશ ઐયર

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માંથી રિલીઝ થયો હોવા છતાં વેન્કટેશ ઐયર ફરી એક વાર તેની ભૂતપૂર્વ ફ્રૅન્ચાઇઝી માટે રમવાની આશા રાખી રહ્યો છે જેથી તે ટીમના વિશ્વાસનું વળતર આપી શકે. મેગા ઑક્શનમાં વેન્કટેશ ઐયર ૨૩.૭૫ કરોડ રૂપિયાની બોલી સાથે સૌથી મોંઘો ઑલરાઉન્ડર બન્યો હતો. વાઇસ-કૅપ્ટનની જવાબદારી મળી હોવા છતાં ગઈ સીઝનમાં તે ટીમ માટે ૧૧ મૅચમાં માત્ર ૧૪૨ રન કરી શક્યો હતો. ૨૦૨૧થી તે KKR માટે પાંચ સીઝન રમ્યો છે.

અમારા જેવા ખેલાડીઓ માટે IPLમાં રમવાની તક મહત્ત્વની છે એમ જણાવતાં વેન્કટેશ ઐયર કહે છે, ‘હું કઈ ટીમ માટે રમું છું એનાથી કોઈ ફરક પડતો નથી, હું મારું શ્રેષ્ઠ આપીશ. જો હું મારા દિલનું સાંભળું તો હું KKR માટે રમવા માગું છું. હું KKR સાથે રમીને ચૅમ્પિયનશિપ જીત્યો છું અને હું એ વારસો ચાલુ રાખવા માગું છું. હું KKRને વધુ ગૌરવ અપાવવા માગું છું, કારણ કે તેમણે મારા પર ઘણો વિશ્વાસ મૂક્યો છે.’

ઇમ્પૅક્ટ પ્લેયર નિયમે કોની તક છીનવી લીધી?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ વિશે વાત કરતાં વેન્કટેશ ઐયરે કહ્યું હતું કે ‘હું ઑલરાઉન્ડર છું, પરંતુ IPLના ઇમ્પૅક્ટ પ્લેયર નિયમે પાર્ટ-ટાઇમ બોલરો માટે તક ઘટાડી દીધી છે. ટીમ પાસે છઠ્ઠો બોલિંગ-વિકલ્પ હોવાથી નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે અથવા મારા જેવા ખેલાડીઓ એટલી બોલિંગ કરી શકતા નથી.’

વેન્કટેશે IPLમાં ૯ ઇનિંગ્સમાં ૩ વિકેટ લીધી છે. તેને છેલ્લી સીઝનમાં બોલિંગ કરવાની તક મળી નહોતી.

venkatesh iyer kolkata knight riders indian premier league IPL 2025 cricket news sports sports news