✕

એક પણ IPL ટાઇટલ વગરની દિલ્હી કૅપિટલ્સે સૌરવ ગાંગુલીને બનાવ્યો હેડ કોચ

07 October, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌરવ ગાંગુલીએ દિલ્હી કૅપિટલ્સમાં સલાહકાર અને ક્રિકેટ ડિરેક્ટર તરીકેના પદ પર કામ કર્યું છે

સૌરવ ગાંગુલી દિલ્હી કૅપિટલ્સનો હેડ કોચ

દિલ્હી કૅપિટલ્સે ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ફ્રૅન્ચાઇઝીના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. ૪૯ વર્ષના હેમાંગ બદાણીના કોચિંગ હેઠળ છેલ્લી બે સીઝનમાં ૧૪માંથી ૭ મૅચ જીતીને દિલ્હી પૉઇન્ટ-ટેબલમાં અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહ્યું હતું.

૫૪ વર્ષનો સૌરવ ગાંગુલી IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ત્રણ સીઝન અને પુણે વૉરિયર્સ ઇન્ડિયા માટે બે સીઝન રમ્યો હતો. દિલ્હી કૅપિટલ્સમાં તેણે સલાહકાર અને ક્રિકેટ ડિરેક્ટર તરીકેના પદ પર કામ કર્યું છે. તેણે પ્રિટોરિયા કૅપિટલ્સના મુખ્ય કોચ તરીકે કામ કરીને એને આ વર્ષની શરૂઆતમાં SA20ની ફાઇનલમાં પહોંચાડી હતી.

સૌરવ ગાંગુલીનું પહેલું કાર્ય ૧૫ નવેમ્બરની સમયમર્યાદા પહેલાં તેના સપોર્ટ-સ્ટાફને અંતિમ સ્વરૂપ આપવાનું અને ટીમ-રીટેન્શન માટેની યોજના બનાવવાનું રહેશે. આગામી સીઝન પહેલાં મિની-ઑક્શન ડિસેમ્બરના મધ્યમાં ગોવામાં યોજાશે. સપોર્ટ-સ્ટાફમાં યુવરાજ સિંહ જોડાશે એ વાત લગભગ નક્કી છે. ટુર્નામેન્ટની શરૂઆતથી રમનાર દિલ્હીએ હજી સુધી એક પણ ટાઇટલ નથી જીત્યું.

સૌરવ ગાંગુલી કહે છે, ‘હું IPLમાં હેડ કોચની ભૂમિકા નિભાવવા માટે ઉત્સાહિત છું. દિલ્હી કૅપિટલ્સ એક ફ્રૅન્ચાઇઝી છે જે મારા દિલની ખૂબ નજીક છે અને જેની સાથે મારો વર્ષોથી મજબૂત સંબંધ રહ્યો છે. મેં માલિકો, મૅનેજમેન્ટ, સપોર્ટ-સ્ટાફ અને ખેલાડીઓ સાથે નજીકથી કામ કર્યું છે. આ મારા માટે એક રોમાંચક જવાબદારી બનાવે છે. અમારી પાસે એક પ્રતિભાશાળી જૂથ છે અને તાજેતરમાં સારું ક્રિકેટ રમ્યું છે. હું નવી સીઝનમાં ટીમ સાથે કામ કરવા અને એક મજબૂત અને નિર્ભય ટીમ બનાવવા માટે આતુર છું.’

ipl 2027 indian premier league delhi capitals sourav ganguly cricket news sports sports news