ભજ્જીએ ઊંધા હાથની થપ્પડ ઝીંકી દીધી હતી શ્રીસાન્તને

30 August, 2025 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૭ વર્ષ જૂના થપ્પડકાંડના ઘા પર મીઠું ભભરાવતાં ભૂતપૂર્વ IPL ચૅરમૅન લલિત મોદીએ વિડિયો જાહેર કરીને કર્યો ખુલાસો...

IPL ઇતિહાસની આ કલંકરૂપી ઘટના બ્રૉડકાસ્ટિંગ કૅમેરા બંધ થયા પછી બની હતી, પણ લલિત મોદીના અંગત સિક્યૉરિટી કૅમેરામાં રેકૉર્ડ થઈ હતી

IPLના ભૂતપૂર્વ ચૅરમૅન અને લીગ કમિશનર લલિત મોદીએ સ્કિન કૅન્સરથી પીડાતા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કના પૉડકાસ્ટમાં ભજ્જી-શ્રીસાન્તના થપ્પડકાંડ પર મોટો ધડાકો કર્યો છે. IPL 2008માં મોહાલીમાં પંજાબ કિંગ્સ (એ સમયે કિંગ્સ ઇલેવન પંજાબ) સામે મુંબઈ ઇન્ડિયન્સને લીગની દસમી મૅચમાં ૬૬ રને હાર મળી હતી. આ હાર બાદ મુંબઈના કૅપ્ટન હરભજન સિંહે પંજાબના ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તને થપ્પડ મારી દીધી હતી. મૅચ પત્યા બાદ બનેલી આ ઘટના બ્રૉડકાસ્ટિંગ કૅમેરા બંધ થઈ હોવાથી ક્યારેય દુનિયા સામે આવી નહોતી. હમણાં સુધી માત્ર શ્રીસાન્તનો રડતા ચહેરાનો ફોટો જ આ ઘટનાનો સાક્ષી હતો.

આ વર્ષે ભજ્જી અને શ્રીસાન્તે અલગ-અલગ પૉડકાસ્ટ પર આ ઘટનાની શ્રીસાન્તની દીકરી પર થયેલી અસર વિશે ખુલાસો કર્યો હતો. જૂની ઘટના ભૂલીને સારા મિત્ર બની ગયા હોવાની સ્પષ્ટતા પણ બન્નેએ કરી લીધી હતી, પણ લલિત મોદીએ પૉડકાસ્ટ દ્વારા આ ઘટનાનો ક્યારેય ન જોવા મળેલો વિડિયો જાહેર કરીને ૧૭ વર્ષ જૂના થપ્પડકાંડના ઘા પર મીઠું ભભરાવાનું કામ કર્યું છે. લલિત મોદીના અંગત સિક્યૉરિટી કૅમેરામાં કેદ થયેલી આ ઘટનાની વિડિયો-ક્લિપ ક્રિકેટજગતમાં જબરદસ્ત વાઇરલ થઈ છે.

પૉડકાસ્ટમાં લલિત મોદીએ કરેલા ખુલાસા અને વિડિયોમાં જોવા મળ્યું હતું કે મૅચ બાદ બન્ને ટીમના પ્લેયર્સ મેદાન પર હૅન્ડશૅક કરીને એકબીજાનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે ભજ્જી જોશમાં આવીને શ્રીસાન્તને ઊંધા હાથની થપ્પડ ઝીંકીને આગળ વધી ગયો હતો. આ ઘટનાથી શ્રીસાન્ત ઉપરાંત તમામ પ્લેયર્સ સ્તબ્ધ બની ગયા હતા. ભજ્જી ફરી પાછો વળીને શ્રીસાન્ત પાસે ગુસ્સાથી આવ્યો ત્યારે શ્રીસાન્ત પણ તેની તરફ ગુસ્સામાં આવીને આગળ વધ્યો હતો, પણ પંજાબના પ્લેયર્સ ઇરફાન પઠાણ અને માહેલા જયર્વદનેએ શ્રીસાન્તને રોક્યો હતો તથા મેદાન પર હાજર સિક્યૉરિટી ગાર્ડ ભજ્જીને મેદાન પરથી દૂર લઈ ગયો હતો.

હરભજન સિંહ પર લાગવાનો હતો આજીવન પ્રતિબંધ

લલિત મોદીએ ખુલાસો કર્યો હતો કે અધિકારીઓનો એક વર્ગ ઇચ્છતો હતો કે ઑફ-સ્પિનર હરભજન સિંહને આજીવન સસ્પેન્શન આપવામાં આવે, પણ તેને ૧૧ મૅચના પ્રતિબંધની સજા મળી હતી અને ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ભજ્જીને પાંચ વન-ડે માટે સસ્પેન્ડ કર્યો હતો. આ ઘટના બાદ બન્નેને સાથે બેસાડીને મીટિંગ કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર  મૅચમાં મળેલી હાર બાદ શ્રીસાન્તે કરેલી કમેન્ટ ‘બૅડ લક’ સાંભળીને ભજ્જી ઉશ્કેરાઈ ગયો હતો.

lalit modi indian premier league punjab kings kings xi punjab harbhajan singh sreesanth s sreesanth sports sports news