મુંબઈ-ચેન્નઈના જંગ સાથે આઇપીએલ રિટર્ન્સ

19 September, 2021 01:20 PM IST  |  Mumbai | Agency

કોરોનાગ્રસ્ત ૧૪મી સીઝનનો બીજો અને નિર્ણાયક રાઉન્ડ આજથી યુએઈમાં, બે ચૅમ્પિયન ટીમની ટક્કર સાથે શરૂ થશે ખરાખરીનો ખેલ

મુંબઈ-ચેન્નઈના જંગ સાથે આઇપીએલ રિટર્ન્સ

ભારતમાં શરૂ થયેલી અને કોરોનાને લીધે અટકી પડેલી આઇપીએલની ૧૪મી સીઝન આજથી યુએઈમાં ફરી શરૂ થવા જઈ રહી છે. મેમાં જ્યારે આ સીઝન અટકી પડી ત્યારે એમ જ માનવામાં આવતું હતું કે હવે બાકીની ૩૧ મૅચોનું આયોજન કરવું મુશ્કેલ છે. કોરોનાને લીધે વિખેરાઈ ગયેલું ઇન્ટરનૅશનલ શેડ્યુલ તેમ જ ટી૨૦ વર્લ્ડ કપને લીધે આઇપીએલ માટે આ ૩૧ મૅચો માટેનું આયોજન ભારે મુશ્કેલ લાગી રહ્યું હતું, પણ ભારતીય ક્રિકેટ બોર્ડ હજારો કરોડનું નુકસાન સહન કરવા તૈયાર નહોતું અને ટી૨૦ વર્લ્ડ કપ પણ ભારતમાંથી યુએઈમાં શિફ્ટ કરાવીને આઇપીએલ માટે માર્ગ થોડો આસાન કરી દીધો હતો. 
આજથી હવે આ કોરોનાગ્રસ્ત ૧૪મી સીઝનનો બીજો અને નિર્ણાયક સેકન્ડ હાફ બે ચૅમ્પિયન ટીમના જંગથી શરૂ થઈ જશે. પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હંમેશાં જંગ જોરદાર રહેશે અને આ જ સીઝનની તેમની વચ્ચેની ટક્કર પણ ભારે રોમાંચક રહી હતી અને કિરોન પોલાર્ડે ચેન્નઈના હાથમાંથી જીત છીનવી લીધી હતી. પૉઇન્ટ-ટેબલ પર હાલમાં ચેન્નઈ સાતમાંથી પાંચ જીત અને બે હાર સાથે ૧૦ પૉઇન્ટ સાથે દિલ્હી બાદ બીજા ક્રમાંકે છે, જ્યારે મુંબઈ સાતમાંથી ચાર જીત અને ત્રણ હાર સાથે આઠ પૉઇન્ટ સાથે ચોથા ક્રમાંકે છે. ચેન્નઈ આજે જીતી ગયું તો એ પૉઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચશે. 
છેલ્લી ૭માંથી ૬ મૅચમાં મુંબઈ કિંગ
આઇપીએલની ૧૩મી સીઝન યુએઈમાં રમાઈ હતી જેમાં મુંબઈએ કમાલ કરતાં પાંચમી વાર ચૅમ્પિયન બનીને ઇતિહાર રચ્યો હતો, જ્યારે ચેન્નઈ પહેલી વાર પ્લે-ઑફમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે ચેન્નઈ હવે નવા જોશ સાથે એ નિષ્ફળ સીઝનને ભુલાવીને આજે મુંબઈને પછાડીને ફરી તેમનો દમ બતાવવા તત્પર રહેશે. જ્યારે મુંબઈએ ચેન્નઈ સામે છેલ્લા ૭ જંગમાંથી ૬માં જીત મેળવી છે અને આજે પણ એ જાળવી રાખીને ટૉપ ફોરમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી ૩૨ જંગમાં મુંબઈ ૧૯ જીત્યું છે, જ્યારે ચેન્નઈ ૧૩ મૅચ જીત્યું છે.
ફૅફ-બ્રાવો ફિટ

ચેન્નઈ માટે સારા સમાચાર છે કે ફૅફ-ડુ પ્લેસી અને ડ્વેઇન બ્રાવો ફિટ થઈ ગયા છે અને ગઈ કાલે પ્રૅક્ટિસ સેશનમાં પણ જોડાયા હતા. જોકે તેમનો ઇંગ્લિશ ઑલરાઉન્ડર સૅમ કરૅન ૧૫મીએ જ યુએઈ આવ્યો હોવાથી હજી ક્વૉરન્ટીન છે. 

ટી૨૦ વર્લ્ડ કપ માટેની પ્રૅક્ટિસ બનશે આઇપીએલ
આજથી આઇપીએલની અધૂરી ૧૪મી સીઝન ફરી શરૂ થઈ રહી છે. આઇપીએલની સમાપ્તિ બાદ તરત જ યુએઈમાં જ ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે એથી દરેક ખેલાડીઓ માટે આ આઇપીએલની મૅચો ટી૨૦ વર્લ્ડ માટે વૉર્મ-અપ સમાન બની રહેશે. 

ipl 2021 cricket news sports news sports