આયરલૅન્ડની ટીમે સૌથી ઓછી મૅચ રમીને ટેસ્ટ-મૅચ જીતવાની હૅટ-ટ્રિક કરી

11 February, 2025 09:06 AM IST  |  Bulawayo | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડે એનાથી પણ ઓછી ટેસ્ટ-મૅચની અંદર આ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે આયરલૅન્ડે એકમાત્ર ટેસ્ટ-મૅચમાં ઝિમ્બાબ્વે સામે પાંચમા અને અંતિમ દિવસે ૬૩ રને જીત નોંધાવી હતી. પહેલી ઇનિંગ્સમાં આયરલૅન્ડે ૨૬૦ રન અને ઝિમ્બાબ્વેએ ૨૬૭ રન બનાવ્યા હતા. આયરલૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૨૯૮ રન બનાવીને ઝિમ્બાબ્વેને ૨૯૨  રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૮૬.૩ ઓવરમાં ૨૨૮ રન બનાવીને સમેટાઈ ગઈ હતી.

આયરલૅન્ડે સળંગ ત્રીજી ટેસ્ટ-જીત મેળવી છે. આ એની દસમી ટેસ્ટ-મૅચ હતી અને એણે પહેલી ૭ ટેસ્ટ-મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આયરલૅન્ડે માર્ચ ૨૦૨૪માં અફઘાનિસ્તાન અને જુલાઈ ૨૦૨૪માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ-મૅચ જીત્યા બાદ ગઈ કાલે ત્રીજી ટેસ્ટ-મૅચ જીતી હતી. ૨૦૧૭માં ફુલ મેમ્બર નેશન્સ ટીમ બનેલી આ ટીમે સૌથી ઓછી મૅચ રમીને ટેસ્ટ-મૅચ જીતવાની હૅટ-ટ્રિક કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે.

છેલ્લે ૧૯૦૬માં ૧૪ ટેસ્ટ-મૅચ રમ્યા બાદ સાઉથ આફ્રિકાએ પહેલી વાર સતત ત્રણ ટેસ્ટ-મૅચમાં વિજય મેળવ્યો હતો. આયરલૅન્ડે એનાથી પણ ઓછી ટેસ્ટ-મૅચની અંદર આ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ છેક ૧૦૯ મૅચ રમ્યા બાદ ૧૯૬૯માં પહેલી વાર સળંગ ત્રણ ટેસ્ટ-મૅચ જીતી હતી.

ireland zimbabwe cricket news sports news sports